અફઘાન ક્રિકેટર શાપૂર ઝારદાન આઈસીયુમાં ભરતી, જાણો કેવી છે હાલત?
અફઘાનિસ્તાનના ક્રિકેટ હીરો શાપૂર ઝાદરાન હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ક્રિકેટના મેદાન પર પોતાની લાંબી રન-અપથી બેટ્સમેનોમાં ભય જગાવનાર આ બોલરની આ સમાચાર સામે આવતા જ સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકો શોકમગ્ન છે અને સૌ તેમની તબિયત સુધારવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
શાપૂર ઝાદરાનના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના ભાઈએ જણાવ્યું કે શાપૂરની હાલત અત્યંત ચિંતાજનક છે.

રિપોર્ટ્સ અનુસાર, શાપૂર ઝાદરાનના શ્વેત રક્તકણો (White Blood Cells)ની સંખ્યા ખતરનાક સ્તરે ઘટી ગઈ છે, જેના કારણે તેમનું શરીર ચેપ સામે લડવામાં અસમર્થ બની રહ્યું છે. તે હાલ ICUમાં નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે, અને તેમની સ્થિતિ નાજુક બની રહી છે.
આજે જ્યારે રાશિદ ખાન, મોહમ્મદ નબી અને રહેમાનુલ્લાહ ગુરબાઝ જેવા અફઘાન સ્ટાર્સ વિશ્વભરમાં ચમકી રહ્યા છે, ત્યારે આપણે ભૂલવું ન જોઈએ કે આ ઇમારતનો પાયો શાપૂર ઝાદરાન જેવા ખેલાડીઓએ જ નાખ્યો હતો. શાપૂરે એવા સમયે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું જ્યારે અફઘાનિસ્તાનમાં સુવિધાઓનો સદંતર અભાવ હતો.
તેના લાંબા વાળ અને દેખાવ જોઈને કેટલાક સમય માટે ચાહકોને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી જતી. શાપૂર ઝાદરાને 2009માં નેધરલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું અને કુલ 80 આંતરરાષ્ટ્રીય મેચોમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું.
તેમણે 44 વનડે મેચોમાં 44 વિકેટ જ્યારે 36 ટી20 મેચોમાં 27 વિકેટ ઝડપી છે. તેમની ઝડપ અને જુસ્સો હંમેશા યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. 2015ના વનડે વર્લ્ડ કપમાં તેમની યાદગાર ક્ષણ ભારતીય ચાહકોને પણ બરાબર યાદ હશે.
સ્કૉટલેન્ડ સામે જ્યારે અફઘાનિસ્તાન હારની કગાર પર હતું, ત્યારે શાપૂર ઝાદરાને ફટકારેલા ઐતિહાસિક ચોગ્ગાએ તેમના દેશને વર્લ્ડ કપ ઇતિહાસની પ્રથમ જીત અપાવી હતી. તે જીત બાદ મેદાન પર દોડી રહેલા શાપૂરની તે તસવીર આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં જીવંત છે.
શાપૂરની બીમારીના સમાચાર ફેલાતા જ પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ રાશિદ લતીફ સહિત વિશ્વભરના ક્રિકેટરોએ તેમના માટે સંદેશા મોકલ્યા છે. રાશિદ લતીફે તેમના નિડર અંદાઝની પ્રશંસા કરતા ચાહકોને તેમની જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
