
IND vs SA : ઉમરાન નહીં પરંતુ આ બોલરને મળી શકે છે મોકો, કેપ્ટન વિશે પણ મોટી માહિતી સામે આવી!
નવી દિલ્હી : સુકાની રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિત કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર નજર રાખીને દક્ષિણ આફ્રિકા સામેની આગામી પાંચ મેચની T20I શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. આ સાથે રાષ્ટ્રીય પસંદગી સમિતિ જસપ્રીત બુમરાહ અને ઋષભ પંતને આરામ આપવા માટે પણ તૈયાર છે. એવું માનવામાં આવે છે કે અનુભવી ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યામાંથી એક કેપ્ટન બની શકે છે.
મુંબઈમાં IPLની આ આવૃત્તિના લીગ તબક્કાના અંતિમ દિવસે 22 મેના રોજ દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે ટીમની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને પણ બ્રેક આપવામાં આવશે. આ દરમિયાન એવી અટકળો ચાલી રહી છે કે ફાસ્ટ બોલર ઉમરાન મલિકને તક મળી શકે છે. પરંતુ બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે ઉમરાનને બદલે મોહસિન ખાનને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં તક મળી શકે છે.
ઉમરાન મલિકે તેની 150 કિમી પ્રતિ કલાકથી વધુની ટોપ સ્પીડથી ઘણી ઉત્તેજના પેદા કરી છે, પરંતુ તેને થોડા સમય માટે ભારત A ટીમ સાથે રમવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. સુત્રો મુજબ, "ઝડપી બોલિંગ વિભાગ તૈયાર છે અને પસંદગીકારો વધુ પ્રયોગ કરી શકે નહીં." પણ હા, મોહસિને આ સિઝનમાં તેની ગતિ, ઉછાળ અને સ્વિંગથી લગભગ બધાને પ્રભાવિત કર્યા છે. તેમની પાસે તક છે. જો કે ઉમરાન કે અર્શદીપને પણ નજરઅંદાજ ન કરી શકાય પણ મોહસીન આગળ છે."
આ સિવાય સિનિયર ખેલાડીઓને આરામ મળવાની સંભાવના પર સૂત્રએ કહ્યું, "ભારતના તમામ સિનિયર ખેલાડીઓને ઓછામાં ઓછા સાડા ત્રણ અઠવાડિયા સુધી આરામ મળશે. રોહિત, વિરાટ, કેએલ, ઋષભ અને જસપ્રિત આરામ લીધા પછી સીધા ઈંગ્લેન્ડ જશે. મુખ્ય ખેલાડીઓએ ઈંગ્લેન્ડ શ્રેણી માટે ફ્રેશ રહેવાની જરૂર છે." જ્યારે સુકાનીપદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સૂત્રએ કહ્યું, "પસંદગીકારો પાસે કેટલાક વિકલ્પો છે. શિખર ધવન કારણ કે તે ગયા વર્ષે શ્રીલંકા શ્રેણી દરમિયાન વિરાટ, રોહિત અને રાહુલની ગેરહાજરીમાં ભારતની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. પરંતુ હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ માટે પ્રભાવશાળી સુકાની છે. તેથી તે એક નજીકનો નિર્ણય હશે."