NZ vs PAK : આજે ન્યૂઝીલેન્ડની જીત ચાર ટીમોને સેમિફાઈનલમાંથી બહાર કરશે, જાણો કઈ કઈ છે આ ટીમ?
આજે વર્લ્ડકપમાં ડબલ હેડર મુકાબલા ચાલી રહ્યા છે. એક તરફ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામસામે છે. આજના પરિણામો સેમિફાઈનલના ચિત્રને લગભગ સ્પષ્ટ કરી દેશે.
વર્લ્ડ કપમાં ભારત સેમિફાઇનલમાં પહોંચી ચુક્યુ છે અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે માત્ર 11 વધુ મેચ બાકી છે. આમાંથી એક નિર્ણાયક મેચ આજે રમાઈ રહી છે.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ અન્ય ટીમો માટે મહત્વની છે. જો ન્યૂઝીલેન્ડ આ મેચ જીતશે તો ચાર ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.
આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી સાત મેચ રમી છે અને ચાર મેચ જીતી છે. તો બીજી તરફ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ અત્યારે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડને 9 નવેમ્બરે શ્રીલંકા સામે રમવાનું છે.
જો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનને હરાવશે તો સેમીફાઈનલમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. આ જીત બાદ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને શ્રીલંકાને મોટો ફટકો પડશે અને આ ચાર ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
આ પછી ભારત અને દક્ષિણ આફ્રિકા સિવાય માત્ર ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન જ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
જો બેંગલુરુમાં વરસાદને કારણે મેચ રદ થાય તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. આઈસીસીએ વર્લ્ડ કપ 2023ની લીગ રમતો માટે કોઈ રિઝર્વ ડે રાખ્યો નથી. જો હવામાન ખરાબ હોય તો નોકઆઉટ મેચો અને ફાઈનલ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
