ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈમાં સતત વધારો, ૧૬.૨૮ લાખથી વધુ ખેડૂતો જોડાયા
ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે, જે કૃષિ ક્ષેત્રમાં પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે અનિવાર્ય બન્યો છે. આધુનિક કૃષિ વૈશ્વિકરણ અને પાકની વિવિધતાના આ યુગમાં, ખેતીને વધુ નફાકારક બનાવવા પાણીના અસરકારક સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારે સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ મર્યાદિત પાણીના ઉપયોગથી મહત્તમ ખેત ઉત્પાદન મેળવવાનો છે.

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ જેવી કે ટપક, ફુવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ ખેડૂતો માટે પાણીના ઓછા સ્ત્રોત હોવા છતાં આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારવામાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિઓ અપનાવવા માટે રાજ્યના ખેડૂતોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેણે ગુજરાતને આ ક્ષેત્રે દેશમાં અગ્રણી બનાવ્યું છે.
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. વર્ષ ૨૦૦૫ થી નવેમ્બર-૨૦૨૫ સુધીમાં રાજ્યના ૧૬.૨૮ લાખથી વધુ ખેડૂતોએ અંદાજે ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. આ સમયગાળા દરમિયાન, તેમને યોજના હેઠળ કુલ રૂ. ૯૨૨૪.૨૭ કરોડથી વધુની પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવી છે.
આ કુલ સહાયમાં ગુજરાત સરકારે રૂ. ૫૭૪૦.૭૧ કરોડનો ફાળો આપ્યો છે, જ્યારે ભારત સરકારનો ફાળો રૂ. ૩૪૮૩.૫૬ કરોડ રહ્યો છે. આ આર્થિક સહાય ખેડૂતોને આ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને કૃષિ ઉત્પાદકતામાં સુધારો લાવે છે.
ગુજરાતે ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં ઝડપી પ્રગતિ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આશરે ૧.૩૦ લાખ હેક્ટર વાવેતર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન પણ ૧.૨૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ લાવવામાં આવ્યો છે. આ માટે ખેડૂતોને કુલ રૂ. ૬૦૫.૪૨ કરોડની સહાય અપાઈ છે, જેમાં રાજ્ય સરકારનો હિસ્સો રૂ. ૩૨૯.૪૨ કરોડ અને ભારત સરકારનો હિસ્સો રૂ. ૨૭૬ કરોડનો સમાવેશ થાય છે.
રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દ્રષ્ટિએ ઓઁબનાસકાંઠા જિલ્લો મોખરે છે, જ્યાં ૪.૮૮ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. ત્યારબાદ, ૧.૮૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય સ્થાને અને ૧.૩૫ લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે.
આ પદ્ધતિના અમલમાં રાજ્યના મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો સૌથી વધુ રહ્યો છે. અત્યાર સુધીમાં, ૮.૯૨ લાખથી વધુ મધ્યમ વર્ગના ખેડૂતોએ ૧૬.૪૨ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ અપનાવી છે.
આ ઉપરાંત, ૪.૯૮ લાખથી વધુ નાના ખેડૂતોએ ૫.૯૦ લાખ હેક્ટરમાં, ૧.૮૩ લાખથી વધુ સીમાંત ખેડૂતોએ ૧.૨૩ લાખ હેક્ટરમાં અને ૫૫ હજારથી વધુ મોટા ખેડૂતોએ ૧.૪૯ લાખ હેક્ટરમાં સૂક્ષ્મ સિંચાઈ અપનાવીને જળ સંચય અભિયાનને વેગ આપ્યો છે.
ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ ૨૫.૦૫ લાખ હેક્ટર વિસ્તાર પૈકી, ૨૦.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકો માટે અને ૪.૫૨ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બાગાયતી પાકો માટે આ પદ્ધતિનો ઉપયોગ થયો છે.
મુખ્ય ખેતી પાકોમાં મગફળી (૧૧.૦૨ લાખ હેક્ટર), કપાસ (૭.૫૬ લાખ હેક્ટર) અને શેરડી (૦.૧૬ લાખ હેક્ટર) નો સમાવેશ થાય છે. બાગાયતી પાકોમાં બટાટા (૨.૨૦ લાખ હેક્ટર), કેળ (૦.૩૪ લાખ હેક્ટર), આંબા (૦.૧૮ લાખ હેક્ટર) અને શાકભાજી (૦.૯૨ લાખ હેક્ટર) હેઠળ સૂક્ષ્મ સિંચાઈ અપનાવવામાં આવી છે.
ખેડૂતો તેમના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે ઘરે બેઠા જ પ્રી-રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધણી માટે, ખેડૂતો GGRCના મોબાઈલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ પર **"પૂરું નામ – જિલ્લો – તાલુકો – ગામ"** ફોર્મેટમાં SMS કરી શકે છે. વૈકલ્પિક રીતે, GGRCની વેબસાઇટ "khedut.ggrc.co.in" પર જઈને વિગતો દાખલ કરીને પણ નોંધણી કરી શકાય છે. પૂર્વ નોંધણી પછી, GGRCના માન્ય સપ્લાયર્સ ખેડૂતોનો સંપર્ક કરી વધુ માર્ગદર્શન આપશે.












Click it and Unblock the Notifications
