ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 3 બાળકોના મોત, 4 વેન્ટિલેટર પર; રાજ્ય હાઈ-એલર્ટ પર
ગુજરાતમાં છેલ્લા 14 દિવસમાં ચાંદીપુરા વાયરસના પ્રકોપને કારણે ભારે ફફડાટ ફેલાયો છે. આ જીવલેણ વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 3 બાળકોના મોત નીપજ્યા છે અને અન્ય 4 બાળકો હાલ વેન્ટિલેટર પર જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. વાયરસના અચાનક વધેલા કેસોને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયા છે. સમગ્ર રાજ્યમાં હાઈ-એલર્ટ જાહેર કરીને દેખરેખ અને નિયંત્રણની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરી દેવામાં આવી છે.

રેતીની માખી એટલે કે સેન્ડફ્લાય દ્વારા ફેલાતો આ ચાંદીપુરા વાયરસ (CHPV) ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવે છે અને તેના કારણે દર્દી એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ એટલે કે મગજના ગંભીર સોજાનો ભોગ બને છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 1 જુલાઈથી અત્યાર સુધીના માત્ર બે સપ્તાહના ટૂંકા ગાળામાં જ રાજ્યમાં કુલ 32 શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે, જેણે આરોગ્ય તંત્ર સહિત વાલીઓની ચિંતામાં પણ ભારે વધારો કર્યો છે.
આરોગ્ય વિભાગને મળેલા રિપોર્ટ મુજબ, કુલ 32 શંકાસ્પદ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 23 દર્દીઓના લેબ ટેસ્ટના પરિણામો સામે આવ્યા છે. આ 23 પૈકી 7 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ૧૬ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ નોંધાયો છે. પોઝિટિવ આવેલા આ સાતેય દર્દીઓની ઉંમર ૧૦ વર્ષથી ઓછી છે, જેમાંથી ૩ બાળકો દમ તોડી ચૂક્યા છે અને ૪ બાળકો લાઈફ સપોર્ટ પર સારવાર હેઠળ છે. હજુ પણ અન્ય 9 શંકાસ્પદ દર્દીઓના સત્તાવાર રિપોર્ટ આવવાના બાકી છે, જ્યારે રાહતની વાત એ છે કે બે બાળકો સંપૂર્ણ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. તાજેતરમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની એક બે વર્ષની બાળકીમાં લક્ષણો દેખાતા તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને આરોગ્ય વિભાગની ટીમો સતત કાર્યરત છે. રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાતો માટે એક વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આ લડાઈમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ને પણ જોડવામાં આવ્યું છે. નાના ક્લિનિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરોને કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળકનો સમય બગાડ્યા વિના, પ્રાથમિક સારવાર આપી તુરંત ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા વાળી મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે.
આ જીવલેણ વાયરસને આગળ વધતો અટકાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ, સેનિટાઈઝેશન અને જંતુનાશક પાવડરના છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં જે ૬૧ સ્થળો પર આ વાયરસના કેસ જોવા મળ્યા હતા ત્યાં તંત્ર દ્વારા અગાઉથી જ જનજાગૃતિ અને સાવચેતીના પગલાં લેવાઈ ચૂક્યા હોવાથી ત્યાં કોઈ નવો કેસ નોંધાયો નથી, પરંતુ નવા વિસ્તારોમાં સેન્ડફ્લાયનો નાશ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. આ સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા જાળવે અને બાળકોમાં તાવ કે ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો જરાય બેદરકારી રાખ્યા વિના તબીબોનો સંપર્ક કરે.












Click it and Unblock the Notifications
