અયોધ્યા રામ મંદિર ચઢાવા કૌભાંડમાં નવો વળાંક, મુખ્ય આરોપીઓને 39 કલાકની પોલીસ રિમાન્ડ
અયોધ્યા: રામ મંદિરના ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના કેસમાં તપાસ વધુ તેજ બની છે. મુખ્ય આરોપી રામાશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ અને તેના ભત્રીજા મનીષ યાદવને કોર્ટે 39 કલાકની પોલીસ રિમાન્ડ મંજૂર કરી છે. પોલીસ દ્વારા સાત દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી, પરંતુ કોર્ટે મર્યાદિત સમય માટે જ મંજૂરી આપી છે.
ચઢાવાની રકમમાં ગેરરીતિનો આરોપ
માહિતી અનુસાર, જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં રામ મંદિરના દાનપાત્રમાંથી રોકડ રકમ, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓમાં ગેરરીતિ થયાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદના આધારે ચોરી, વિશ્વાસઘાત અને ગુનાહિત ષડયંત્ર સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો હતો.

અત્યાર સુધી 8 લોકોની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધી 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ટ્રસ્ટના બે વરિષ્ઠ હોદ્દેદારોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ટિન્નૂ દાનપાત્રોની દેખરેખ રાખતો હતો, જ્યારે મનીષ યાદવ ચઢાવાની ગણતરીની પ્રક્રિયામાં સામેલ હતો.
રિમાન્ડ દરમિયાન શું થશે તપાસ?
પોલીસ હવે બંને આરોપીઓની રિમાન્ડ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ તપાસ કરશે. ગેરરીતિથી મળેલી રકમ ક્યાં વપરાઈ, તેમાંથી કોઈ મિલકત ખરીદવામાં આવી કે નહીં, અન્ય કોણ-કોણ આ કૌભાંડમાં સંકળાયેલા છે અને સમગ્ર નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે અંગે પુરાવા એકત્રિત કરવામાં આવશે.
અગાઉની તપાસ દરમિયાન કેટલાક અન્ય આરોપીઓના નિવેદનના આધારે રોકડ રકમ, દાગીના અને મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટિન્નૂના નિવાસસ્થાનેથી અંદાજે ₹1 લાખ અને મનીષ યાદવના ઘરેથી ₹2 લાખ રોકડ મળી આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
10 દિવસનું પ્રાયશ્ચિત અનુષ્ઠાન શરૂ
આ ઘટનાને પગલે રામ મંદિર પ્રશાસને 10 દિવસનું 'પ્રાયશ્ચિત અનુષ્ઠાન' (શુદ્ધિકરણ પૂજન) શરૂ કર્યું છે. મંદિરના પૂજારીઓના જણાવ્યા મુજબ, પવિત્ર સ્થળ સાથે જોડાયેલી આવી ઘટનાને ધ્યાનમાં રાખીને ધાર્મિક પરંપરા અનુસાર વિશેષ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ ધાર્મિક વિધિ મંદિરની પરંપરા અને આસ્થાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
