Makar Sankranti 2023 : મકર સંક્રાતિએ શું કરવુ અને શું ન કરવુ, આ વાતોનો રાખો ખાસ ખ્યાલ
મકર સંક્રાંતિને લઈને ભારતમાં ઘણી માન્યતા પ્રવતે છે. એક માન્યતા અનુસાર આ દિવસે સુર્ય ભગવાન શનિદેવના ઘરે જાય છે.
ભારતમાં મકર સંક્રાંતિનું અલગ જ મહત્વ છે. ભારતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવાતા મકરસંક્રાંતિના તહેવારને લઈને ઘણી માન્યતાઓ પ્રવર્તે છે. પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે મકર સંક્રાંતિએ સુર્ય દેવ તેના પુત્ર શનિના ઘરે જાય છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે એટલે આ દિવસે પિતા-પુત્રનું મિલન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મકર સંક્રાતિએ કેટલાક કામો કરવાનો નિષેધ છે. આ કાર્યો કરવાથી સુર્ય દેવ નારાજ થઈ શકે છે.

આ વર્ષે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સવારે 07:15 થી સાંજે 05:46 સુધી મકરસંક્રાંતિનો પુણ્ય કાળ રહેશે. મકરસંક્રાંતિનો મહા પુણ્ય કાળ સવારે 7.14 થી 8.59 સુધીનો રહેશે.
મકર સંક્રાંતિના દિવસે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ બચેલો કે વાસી ખોરાક ન ખાવ. આનાથી તમારી અંદર વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જાનું વર્ચસ્વ હાવી થઈ શકે છે. આ દિવસે માંસ, દારૂ, લસણ અને ડુંગળી જેવા તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ. મકરસંક્રાંતિ પર શુદ્ધ ભોજન જ લેવું જોઈએ.
મકર સંક્રાંતિના કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું. આમ કરવાથી તમે પાપના ભાગીદાર બનશો. આ દિવસે કોઈને ખરાબ શબ્દો ન બોલવા. ઘરે કોઈ આવે તો તેને ખાલી હાથે પરત ન કરો.
માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પૂજા કરો. તેની સાથે સૂર્યદેવને જળ અર્પણ કરવું. મકરસંક્રાંતિના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે તલ-ગોળ અને ખીચડીનું દાન કરવું. મકરસંક્રાંતિના દિવસે પૂર્વજોની પૂજા કરવાનું પણ મહત્વ છે. આ દિવસે તર્પણ કરવાથી ઘરમાં પિતૃદોષ દૂર થાય છે અને સાથે પિતૃઓની આત્માને શાંતિ મળે છે. મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગંગાના જળથી સ્નાન કરો અને ઘરમાં તેનો છંટકાવ કરો.
મકરસંક્રાંતિ પર સૂર્ય અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો ઉલ્લેખ છે. આ વ્રત ભગવાન સૂર્ય નારાયણને સમર્પિત છે. આ દિવસે ભગવાનને તાંબાના વાસણમાં પાણી, ગોળ અને ગુલાબના પાન ચઢાવો. ગોળ, તલ અને મગની દાળની ખીચડીનું સેવન કરો અને તેને ગરીબોમાં વહેંચો. આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તમે ભગવાન સૂર્ય નારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો.












Click it and Unblock the Notifications
