જૂતા ખોવાયા તો વ્યક્તિએ પોલીસને ઈમરજન્સી નંબર પર ફોન કર્યો, જાણો એવુ તો શું ખાસ હતું જૂતામાં?
સામાન્ય રીતે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હોય છે. પોલીસ લોકોને ઈમરજન્સીમાં લોકો માટે ઈમરજન્સી નંબર જારી કરે છે. જો કે કેટલાક લોકો આ નંબરનો એવો ઉપયોગ કરે છે કે તમને વિશ્વાસ ન આવે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે.
આ વિચિત્ર ઘટના કર્ણાટકના મેંગલુરુમાં સામે આવી છે. અહેવાલો અનુસાર, અહીં એક વ્યક્તિના જૂતા ખોવાતા તેને એવો હંગામો ઉભો કર્યો કે હવે તેની ખુબ ચર્ચા થઈ રહી છે. આ વ્યક્તિએ પોલીસને 112 નંબર પર ફોન કરીને ખોવાયેલા જૂતા શોધી આપવા જણાવ્યુ. હવે સવાલ એ છે કે આ જૂતામાં આવુ તો શું ખાસ હતુ?

આ વ્યક્તિએ જણાવ્યું કે, તેના જૂતા ટાઉન હોલમાંથી ગુમ થયા છે. જ્યારે તે હોલમાં આયોજિત એક કાર્યક્રમમાં ગયો ત્યારે તેણે તેના જૂતા ત્યાં ઉતાર્યા હતા અને લંચ કરીને બહાર આવ્યો તો તેના જૂતા ગાયબ હતા. ત્યારબાદ 112 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી.
આ કોલ આવ્યા બાદ કોલને મેંગલુરુ ઉત્તર પોલીસને ટ્રાન્સફર કરાયો. ફરિયાદ મળતા જ પોલીસ એક્શનમાં આવી અને વ્યક્તિના જૂતાની શોધખોળ શરૂ કરાઈ. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો જાણવા મળ્યું કે ત્યાં કામ કરતા મજૂરોએ ચોરી કરી હતી.
જણાવી દઈએ કે, વ્યક્તિના જૂતા સામાન્ય જૂતા નહોતા તે ક્લોગ હતા, એટલે કે તે લાકડાના બનેલા જૂતા હતા. આ શૂઝ 13મી સદીમાં નેધરલેન્ડના ખેડૂતો પહેરતા અને પછીથી આ પ્રકારના ફૂટવેર ફેશન સ્ટેટમેન્ટ તરીકે લોકપ્રિય બન્યા. મેંગલુરુના આ વ્યક્તિએ પણ આ જૂતા પહેર્યા હતા.
જો કે આ જૂતાની કિંમત કેટલી છે તેના સમર્થનમાં તે પોલીસને બિલ આપી શક્યો નહીં. એક ઈ-કોમર્સ સાઈટ પર આની એક જોડીની કિંમત લગભગ 515 થી 1,600 રૂપિયા છે.
આ મુદ્દે માહિતી આપતા પોલીસ કમિશનર કુલદીપ કુમાર આર જૈને જણાવ્યું કે, મેંગલુરુ શહેર પોલીસને ERSS નંબર પર દરરોજ સરેરાશ 45 ઈમરજન્સી કોલ આવે છે. અમે અમારી 24x7 ઇમરજન્સી રિસ્પોન્સ હેલ્પ સિસ્ટમ વિશે જાગૃત છીએ અને લોકોને કટોકટીની સ્થિતિમાં 112 પર કૉલ કરવાની સલાહ આપીએ છીએ, પરંતુ અમને ખબર નહોતી કે આ વ્યક્તિ તેના પગરખાં શોધવા ERSS નો ઉપયોગ કરશે.












Click it and Unblock the Notifications
