
વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, આવા એલિયન દુનિયા માટે હશે ખતરનાક
સમગ્ર દુનિયામાં હાલ એલિયન્સના અસ્તિત્વનો મુદ્દો જોરશોરથી ચર્ચાઇ રહ્યો છે. આ સાથે સાથે એવા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે કે, જેનાથી વૈજ્ઞાનિકો પણ ચકરાવે ચડી જાય છે. જોકે આ બધા વચ્ચે એક સવાલ હંમેશાની જેમ આજે પણ સળગતો રહ્યો છે કે, શું ખરેખર એલિયનનું અસ્તિત્વ છે કે નહીં?
વૈજ્ઞાનિકો પણ આ સવાલનો જવાબ વર્ષોથી જોઇ રહ્યા છે, પરંતુ તેમને આજ સુધી આ સવાલનો જવાબ શોધવામાં સફળતા મળી નથી. આવા સમયે એક સંશોધકે એવો દાવો કર્યો છે કે, ફ્રેન્ડલી એલિયન પણ માણસો માટે ખતરારૂપ છે.
સંશોધકોનું કહેવું છે કે, લાંબા સમયથી વૈજ્ઞાનિકો અન્ય દુનિયાના લોકો (એલિયન્સ) સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં સંશોધકોએ ઉપરોક્ત દાવો કર્યો છે.
ત્રણ સંશોધકોએ Geopolitical Implications of a Successful SETI Program નામનું પેપર પ્રકાશિત કર્યું છે. આ તમામ વૈજ્ઞાનિકો નાસા, પેન સ્ટેટ ઇટીઆઈ સેન્ટર અને હાર્વર્ડ લો સ્કૂલ સાથે સંકળાયેલા છે. આ અભ્યાસના મુખ્ય લેખક પેન સ્ટેટ યુનિવર્સિટીના જેસન ટી. રાઈટ છે.
વર્ષોથી વૈજ્ઞાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, શું તે અન્ય વિશ્વોનો સંપર્ક કરવો સલામત છે. કેટલાક સંશોધકો માને છે કે, એલિયન્સ સાથેનો સંપર્ક માનવતાને આગળ વધારવામાં મદદ કરશે. તો સાથે સાથે કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એલિયન્સ સાથેના સંપર્કથી પૃથ્વી પર વિનાશ પણ સર્જાઇ શકે છે.
હવે સંશોધકોએ એક સંશોધનમાં જણાવ્યું છે કે, બીજી દુનિયાની શોધ માનવતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ કહે છે કે, મૈત્રીપૂર્ણ અને સારા એલિયન્સ પણ મનુષ્યો માટે જોખમી બની શકે છે.
વર્ષ 2020માં 'ધ સર્ચ ફોર એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ : અ રિયલ પોલિટિક કન્સિડરેશન' નામનું પેપર પ્રકાશિત થયું હતું, જેનો જવાબ આ પેપર દ્વારા આપવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકે આ પેપરને WT 2020 નામ આપ્યું છે.
આ પેપરમાં કહેવામાં આવ્યું હતું કે, નિષ્ક્રિય SETI પ્રવૃત્તિમાંથી એલિયન સિગ્નલ મેળવા મુશ્કેલ છે. આ સાથે તેમનું એવું પણ કહેવું છે કે, એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ ઈન્ટેલિજન્સ (ETI) સંકેત મળ્યા બાદ કેટલાક ધાર્મિક દેશોમાં ધાર્મિક ઉગ્રવાદી હિંસા ભડકી શકે છે.
વૈજ્ઞાનિકનું કહેવું છે કે, ETIનો સંપર્ક કરવો ક્રાંતિકારી સાબિત થશે. આ પહેલા પણ એલિયન્સ વિશે ઘણા સંશોધનો પ્રકાશિત થયા છે, જેમાં અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે. જોકે, ગત થોડા વર્ષોથી એલિયન્સ વિશે સમગ્ર વિશ્વમાં ચર્ચાએ જોર પકડ્યું છે.