ભારતમાં ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓની 6 હકીકતો
ભારતમાં ડિવિડન્ડ અને ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓના સંદર્ભમાં અનેક મહત્વની હકીકતો છે જે રોકાણકારે જાણવી મહત્વની છે. આ કારણે અમે અહીં કંપનીઓમાં રોકાણ કરીને ડિવિડન્ડના રૂપમાં આવક મેળવવા ઇચ્છતા લોકો માટે ખાસ 6 વિગતો લાવ્યા છે જે આપને કંપનીની પસંદગી અને તેમાં રોકાણ સંદર્ભમાં નિર્ણય લેવામાં મદદરૂપ બનશે.

ડિવિડન્ડ ટેક્સ ફ્રી હોય છે
રોકાણકારના હાથમાં આવતું ડિવિડન્ડ ટેક્સ ફ્રી હોય છે. આ કારણે અન્ય રોકાણ સાધનો જેવા કે ફિક્સ ડિપોઝિટના વ્યાજની આવક પર ઇન્ટમ ટેક્સ લાગે છે, તેવું ડિવિડન્ડના કિસ્સામાં થતું નથી. જો કે ભારતમાં જે કંપનીઓ ડિવિડન્ડ જાહેર કરે છે તેમણે ડિવિડન્ડ ચૂકવણી પર કર ભરવો પડે છે.

ડિવિડન્ડ યીલ્ડ
ડિવિડન્ડ યીલ્ડને સામાન્ય શબ્દોમાં વર્ણવીએ તો સ્ટોકની માર્કેટમાં વર્તમાન કિંમત મુજબ ડિવિડન્ડ ચૂકવવું તે. ઉદાહરણ તરીકે માર્કેટમાં 100 રૂપિયાની કિંમત વાળા 100 શેર આપ ખરીદો છો. આ કારણે તેના રૂપિયા 10,000 તમે ખર્ચ્યા છે. હવે તેની ઉપર કંપની શેર દીઠ રૂપિયા 1નું ડિવિડન્ડ જાહેર કરે છે તો 100 શેરના 100 રૂપિયા ડિવિડન્ડ મળે છે. આમ 1 ટકા ડિવિડન્ડ મળ્યું કહેવાય. આ કિસ્સામાં ડિવિડન્ડ યીલ્ડ જેટલું વધારે તેટલો રોકાણકારોને ફાયદો.

શેર ખરીદતા પહેલા ચેક કરવાની તારીખ
એક્સચેન્જમાં એક્સ ડિવિડન્ડ તારીખ હોય છે. તેનો અર્થ એ હોય છે કે જો આપે એક્સ ડિવિડન્ડ ડેટ પહેલા શેરની માલિકી પ્રાપ્ત કરી ના હોય તો આપને આપના શેર માટે ડિવિડન્ડ મળશે નહીં.

ક્લોઝર ડેટ નોંધી રાખો
કંપની દ્વારા ક્લોઝર ડેટ આપવામાં આવે છે. આ તારીખે શેર જેના નામે હોય તે જ ડિવિડન્ડ મેળવવા પાત્ર બને છે. બુક ક્લોઝર સામાન્ય રીતે શેર એક્સચેન્જમાં એક્સ ડિવિડન્ડ માટે જાય તેના બે-ત્રણ દિવસ બાદની હોય છે.

પેમેન્ટ ડેટ
આ તારીખે શેર ડોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે.

ડિવિડન્ડ પે આઉટ રેશિયો
આ એ પ્રમાણ છે જેના આધારે નફામાંથી કેટલા ટકા ડિવિડન્ડ વહેંચવું તે નક્કી થાય છે.ઉદાહરણ તરીકે કંપનીએ રૂપિયા 1,000 નફો કર્યો અને તેમાંથી બધાને રૂપિયા 100નું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું તો ડિવિડન્ડ પે આઉટ રેશિયો 10 ટકા થયો કહેવાશે. આ રેશિયો જેટલો ઊંચો, કંપની તેટલી ઇન્વેસ્ટર ફ્રેન્ડલી છે એમ માનવામાં આવે છે.