IBM - ST Micro ગુજરાતમાં 25000 કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હી, 8 ઓગસ્ટ : ભારતમાં બે ગ્લોબલ જાયન્ટ ચિપ મેકર કંપનીઓ આઇબીએમ અને એસટી માઇક્રો ઇલેકટ્રોનિકસ અંદાજે રૂપિયા 50,000 કરોડના રોકાણ માટે સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે. આ બંને કંપનીઓ ગ્રેટર નોઇડા અને ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છે છે. રોકાણ સ્થળના ત્રીજા વિકલ્પ તરીકે આ કંપનીઓએ બેંગ્લોરને ધ્યાનમાં રાખ્યું છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આઇટી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગ્રેટર નોઇડા અને ગુજરાતમાં રૂપિયા 25,000 - 25,000 કરોડનું રોકાણ કરવા માંગે છે. કંપનીએ ગ્રેટર નોઇડા અને ગુજરાતમાં કયા સ્થળે રોકાણ કરવું તે માટેનું લોકેશન ફાઇનલ કર્યું નથી.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર પણ ઇચ્છે છે કે આ બંને કંપનીઓ રોકાણ કરે. આ કંપનીઓ ભારતમાં રોકાણ કરશે તો 13 વર્ષમાં સરકાર આ બંને કંપનીઓને 60,000 કરોડનું કન્સેશન પણ આપવા માંગે છે. ચિપ મેકીંગ માટે ઉચ્ચ કવોલિટીવાળી વિજળી અને પાણીની જરૂર રહે છે. સરકાર આ બંનેને કેટલીક સગવડો પણ આપવા માંગે છે.
દેશના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ જણાવ્યું કે આ બંને કંપનીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે કહ્યું કે સરકાર પ્રોડકટની આયાત ઉપર નિર્ભર રહેવા માંગતી નથી અને સરકાર ઇચ્છે છે કે ઘરઆંગણે આવી સુવિધા ઉભી થાય. ઇલેકટ્રોનિક હાર્ડવેરની ડિમાન્ડ 2020 પહેલા 400 બિલિયન ડોલરને પાર પહોંચી જશે. હાલ તે 45 બિલિયન ડોલર છે. સરકારનો અંદાજ છે કે આ માટે 100 બિલિયન ડોલરના રોકાણની જરૂર છે.
ભારત ચિપ ડિઝાઇન અને વેરીફિકેશન માટેનુ એક મહત્વનું કેન્દ્ર છે. અહીં ઇન્વેસ્ટમેન્ટ થાય તો દેશમાં વધુ રોકાણ આવે એટલું જ નહિ એક મોટો વેન્ડર બેઝ પણ ઉભો થાય તેમ છે. નોંધનીય છે કે પાંચ વર્ષ પહેલા ચિપ મેકર્સને ભારતમાં લાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો પરંતુ આ અંગે આગળ વાટાઘાટો થઇ રહી છે.