ટ્રમ્પ ટ્રેરિફ પર અમેરિકી કોર્ટે રોક લગાવતા શેર બજારમાં તેજીનો માહોલ
23 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતીય શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ સરકારના ઈમ્પોર્ટ ટેરિફના નિર્ણયને ફગાવી દેતા બજારમાં ભારે ઉત્સાહ છવાયો છે.
આ ઐતિહાસિક ચુકાદા બાદ નિફ્ટી-50 ઈન્ડેક્સમાં 0.42% નો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ પણ 0.11% ના ઉછાળા સાથે 83,176.83 ના સ્તરે પહોંચીને કારોબાર કરતો જોવા મળ્યો હતો.

અમેરિકી સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતી સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ યોજનાને ગેરબંધારણીય ઠેરવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વ્યાપક વેપાર પ્રતિબંધો લાદવાની સત્તા માત્ર સંસદ પાસે છે.
કોર્ટના આ નિર્ણયથી વૈશ્વિક નિકાસકારોને મોટી રાહત મળી છે, કારણ કે રાષ્ટ્રપતિની સત્તાઓ પર લગામ કસાઈ છે. ભારતીય આઈટી અને નિકાસ ક્ષેત્રની કંપનીઓના શેરમાં આજે આ કારણે મજબૂતી જોવા મળી.
જોકે, કોર્ટના આદેશ છતાં ટ્રમ્પે હાર માન્યા વગર 'સેક્શન-122' કાયદા હેઠળ નવો દાવ ખેલ્યો છે. તેમણે ટેરિફના દરો 10% થી વધારીને 15% કરવાની તાત્કાલિક જાહેરાત કરી દીધી છે.
ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલો આ નવો આદેશ માત્ર 150 દિવસ માટે જ અમલી રહેશે. આ પગલાથી વ્હાઇટ હાઉસ અને અમેરિકી કોંગ્રેસ વચ્ચે ભવિષ્યમાં કાયદાકીય જંગ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
ભારતીય ફાર્મા અને ઓટો સેક્ટર માટે આ 15% ટેરિફ ટૂંકા ગાળા માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે, પાંચ મહિનાની સમયમર્યાદા હોવાથી નિકાસકારોમાં હજુ પણ લાંબા ગાળાની આશા જીવંત છે.
બજારના નિષ્ણાતો માને છે કે જો અમેરિકી સંસદ આ શુલ્કને આગળ નહીં વધારે તો ભારતને મોટો ફાયદો થશે. હાલમાં રોકાણકારોની નજર અમેરિકાના આગામી રાજકીય વલણ અને વાટાઘાટો પર ટકેલી છે.












Click it and Unblock the Notifications
