ભારતમાં ઇ ટોલ ટેક્સ સેવાનો પ્રાંરંભ; ચિપ લગાવો, ગાડી ભગાવો
નવી દિલ્હી, 31 ઓક્ટોબર : હાઇ વે પર હવે ટોલ ટેક્સને કારણે જામમાં ફસાઇ જવાની સ્થિતિ નહીં આવે. એટલું જ નહીં, ટોલ ચૂકવવા માટે લાંબી લાઇનમાં રાહ જોવી નહીં પડે અને ટોલ પ્રક્રિયા સરળ બની જવાની છે.
ઇ ટોલ સિસ્ટમ ક્યાં શરૂ થઇ?
આ માટે એનડીએ સરકારે ટોલ ટેક્સ મુદ્દે મોટી રાહતની જાહેરાત કરતા આજથી જ ઇ ટોલ ટેક્સ સિસ્ટમનો આરંભ કરાવ્યો છે. આ શુભારંભ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીથી કરાવ્યો છે. પ્રથમ દિવસે આ હાઇટેક સિસ્ટમ દિલ્હી, હરિયાણા, મુંબઇ સહિતના 12 રાજ્યોના 55 મોટા ટોલ પ્લાઝા પર કામ કરશે.
ઇ ટોલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
ઇ ટોલ સિસ્ટમ માટે વાહનોમાં એક ચિપ લગાવવામાં આવશે., આ ચિપ મારફતે ટોલ પ્લાઝા પર આપોઆપ પેમેન્ટ થઇ જશે. આ માટે આપે પ્રિપેઇડ મોબાઇલ ફોનની જેમ તેને રિચાર્જ કરાવતા રહેવું પડશે. મંત્રાલયના કહેવા મુજબ આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાં તમામ 200 ટોલ ટેક્સ બૂથને આ સિસ્ટમ સાથે જોડી દેવામાં આવશે.
આ સિસ્ટમથી શું લાભ?
ગડકરીના જણાવ્યા અનુસાર આ સિસ્ટમથી દર વર્ષે રૂપિયા 1200 કરોડના ઇંધણની બચત થશે. જેના કારણે આવતા વર્ષ સુધીમાં દેશભરમાં રૂપિયા 27,000 કરોડની બચત કરવામાં આવશે.