આ 73 વર્ષીય માણસે, 72 દિવસમાં કાપ્યું મુંબઇથી લંડનનું અંતર

Written By:
Subscribe to Oneindia News

મુંબઇના 72 વર્ષીય બદ્રી બલદાવાએ આમ તો અનેક રોડ ટ્રિપ લીધી છે, પરંતુ તેમની મુંબઇથી લંડનની રોડ ટ્રિપ સૌથી યાદગાર રહી. જી હા, મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઇમાં સ્થાયી થયેલ બદ્રી બલદાવાએ મુંબઇથી લંડન બાય રોડ પોતાની બીએમડબલ્યૂ કારમાં પહોંચ્યા હતા. તેમની સાથે આ ટ્રિપમાં તેમના 64 વર્ષીય પત્ની પુષ્પા અને તેમની 10 વર્ષની પૌત્રી પણ હતા. અહીં તસવીરોમાં તમે બદ્રી બલદાવાની યાદગાર ટ્રિપની તસવીરો જોઇ શકો છે, જે તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર મુક્યા હતા.

માત્ર 72 દિવસમાં પહોંચ્યા મુંબઇથી લંડન

માત્ર 72 દિવસમાં પહોંચ્યા મુંબઇથી લંડન

23 માર્ચના રોજ તેમણે મુંબઇથી આ રોડ ટ્રિપની શરૂઆત કરી હતી. 72 દિવસની અંદર 22,200 કિમીનું અંતર કાપીને 19 દેશો વટાવીને તેઓ લંડન પહોંચ્યા હતા. આ પહેલાં પણ તે આવી અનેક સાહિસક ટ્રિપ કરી ચૂક્યાં છે. વર્ષ 2008માં તેઓ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં ગયા હતા. મુંબઇથી બદ્રીનાથ સુધીનું અંતર પણ તેમણે કારમાં કાપ્યું છે. વર્ષ 2015માં તેઓ બાય રોડ આઇસલેન્ડ ગયા હતા અને હવે મુંબઇથી લંડનની રોડ ટ્રિપ લઇ તેમણે સૌને આશ્ચર્યચકિત કરી દીધાં છે.

કઇ રીતે નક્કી કર્યો રોડ ટ્રિપનો રૂટ?

કઇ રીતે નક્કી કર્યો રોડ ટ્રિપનો રૂટ?

પોતાની આ યાદગાર ટ્રિપ અંગે ધ હિંદુ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ ટ્રિપમાં તેમની સામે સૌથી મોટો પડકાર હતો રૂટ નક્કી કરવો. અનેક ચર્ચા-વિચારણાઓ બાદ આખરે તેમણે પ્રથમ ઇમ્ફાલ અને ત્યાંથી મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, ચીન અને રશિયા થઇ લંડન પહોંચવાનું નક્કી કર્યું. આ અંગે વાત કરતાં બદ્રી બલદાવાએ જણાવ્યું કે, અમારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. પાકિસ્તાન કે અફઘાનિસ્તાન થઇ જવાય એમ નહોતું, એમાં ઘણું જોખમ છે આપણે જાણીએ જ છીએ. તિબેટ થઇને પણ જવાય એમ નહોતું કારણ કે, ચીન એ માટે પરવાનગી ન આપત.

બદ્રી બલદાવા સાથે જોડાયા હતા 12 વાહનો

બદ્રી બલદાવા સાથે જોડાયા હતા 12 વાહનો

આ લાંબી યાત્રામાં બદ્રી બલદાવા અને તેમનો પરિવાર એકલો નહોતો. ઇમ્ફાલથી તેમની સાથે અન્ય 12 વાહનો જોડાયા હતા. તેઓ કુલ 26 વયસ્કો અને એક બાળક સાથે 27 લોકો હતા. આ જૂથને ભારત સરકાર સાથે ઓળખાણ હતી અને તેમણે આ ટ્રિપ દરમિયાન બદ્રી બલદાવાને શક્ય સગવડો પૂરી પાડી હતી, જેમ કે, તેઓ જ્યાં પણ રાતવાસો કરે ત્યાં ઇન્ડિયન એમ્બસીમાં તેમને ભારતીય ભોજન મળી રહેતું. વળી થાઇલેન્ડના પ્રવાસન વિભાગ દ્વારા તો તેમને માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

પોલેન્ડમાં બ્રેકફાસ્ટ, જર્મનીમાં લંચ અને બેલ્જિયમમાં ડિનર

પોલેન્ડમાં બ્રેકફાસ્ટ, જર્મનીમાં લંચ અને બેલ્જિયમમાં ડિનર

થાઇલેન્ડથી નીકળ્યા બાદ ચીનનો ઉત્તર પશ્ચિમ પ્રદેશ વટાવતાં તેમને 16 દિવસ લાગ્યા હતા. અહીંનું વાતાવરણ તેમને માટે મોટો પડકાર બન્યું. ચીનના આ પ્રદેશના પ્રવાસ દરમિયાન તેમણે વાતાવરણમાં આવેલ ભારે પરિવર્તન સામે ઝઝૂમવું પડ્યું હતું. ચીનના દુનહાંગમાં તાપમાન હતું 24 ડિગ્રી, ત્યાંથી આગળ વધી તેઓ ઝિનિંગ પહોંચ્યા જ્યાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હતું. ધ હિંદુને તેમણે આ યાત્રાના સૌથી ઉત્સાહપૂર્ણ દિવસ અંગે વાત કરતાં બદ્રી બલદાવાએ કહ્યું કે, એ દિવસે અમે એક જ દિવસમાં સૌથી વધુ 930 કિમીનું અંતર કાપ્યું હતું. એ દિવસે અમે વારસા(પોલેન્ડ)માં બ્રેકફાસ્ટ, કોલોન(જર્મની)માં લંચ અને બ્રસેલ્સ(બેલ્જિયમ)માં ડિનર કર્યું હતું.

વિમાન કરતાં રોડ ટ્રિપમાં વધારે મજા છે

વિમાન કરતાં રોડ ટ્રિપમાં વધારે મજા છે

બદ્રી બલદાવા અને તેમના પત્નીએ દુનિયાના અનેક સ્થળોની રોડ ટ્રિપ લીધી છે. મુંબઇથી લંડન સુધીની આ રોડ ટ્રિપથી તેમને લાગ્યું કે, કોઇ પણ જગ્યાએ ફ્લાઇટ લઇ સીધા પહોંચવા કરતા રોડ ટ્રિપમાં જવાની વધુ મજા પડે છે. સાથે જ તેમણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડની વાત કરી, જે હજુ ભારતમાં આવી નથી. તેમણે ચીનનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ચીનમાં પહાડો વચ્ચેનું રોડ નેટવર્ક ખરેખર અદભૂત હતું. બદ્રી બલદાવાનું માનવું છે કે, રોડ ટ્રિપ દરમિયાન તમને જે-તે સ્થળની સંસ્કૃતિ અને વાસ્તવિકતા વિશે જાણવાની વધુ સારી તક મળે છે.

English summary
73 year old Badri Baldawa drives across 19 countries from Mumbai to London in 72 days.
Please Wait while comments are loading...