• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જરા યાદ કરો કુર્બાની : ભડક્યું અમદાવાદ, નહોતી ઉજવી દિવાળી!

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 8 ઑગસ્ટ : 9મી ઑગસ્ટ, 1942 રવિવાર એટલે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામને નિર્ણાયક વળાંક આપનાર ક્રાંતિકારી-ઐતિહાસિક દિવસ. સમગ્ર દેશની જેમ અમદાવાદ પણ અંગ્રેજો ભારત છોડોના નારાથી ગૂંજી ઉઠ્યું. અમદાવાદની પોળો-શેરીઓ તથા માર્ગો ઉપર લોકોનો રાફડો ફાટી નિકળ્યો. આ સાથે જ શરૂ થયો ધરપકડ, લાઠીચાર્જ, ગોળીબાર તથા બૉમ્બ ધડાકાઓનો સિલસિલો. આ આંદોલનમાં વિદ્યાર્થીઓ સૌથી મોટો ફાળો આપ્યો. અહીં સુધી કે ઉમાકાંત કડિયા તથા વિનોદ કિનારીવાલા સહિત ડઝન કરતાં વધુ વિદ્યાર્થીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, તો સેકડો ઈજાગ્રસ્ત બન્યાં અને હજારો જેલની પાછળ ધકેલાયાં.

રાષ્ટ્ર ભક્તિની ભરતી સમગ્ર અમદાવાદમાં ઉભરાઈ આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના કૅરિયરનો આખો એક વર્ષ આ આંદોલન પ્રત્યે સમર્પિત કર્યું. બીજી બાજુ શહેરમાં તે વર્ષે બૉમ્બના ધડાકાઓ તો બહુ થયાં, પણ શહીદોની સ્મૃતિમાં દીવાળીએ ફટાકડા નહોતાં ફોડાયાં. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નવ મહીના સુધી કર્ફ્યુનો સિલસિલો ચાલ્યો. કર્ફ્યૂ દરમિયાન પણ લોકો ધાબાઓ પર ચઢી અંગ્રેજો ચાલ્યા જાવના નારા લગાવતાં.

vir-vinod-kinariwala

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે 9મી ઑગસ્ટ, 1942થી ભારત છોડો આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણયની જાહેરાત 17મી જૂન, 1942ના રોજ જવાહરલાલ નહેરૂએ કરી. આ જાહેરાત સાથે જ આંદોલનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બ્રિટિશ શાસકોએ પણ આંદોલન સામે પહોંચી વળવાની તૈયારી કરી લીધી. તેથી પોલીસે મહાત્મા ગાંધી, નહેરૂ, સરદાર પટેલ, સરોજિની નાયડૂ સહિત મુખ્ય નેતાઓની 9મી ઑગસ્ટ, 1942ના રોજ સવારે છ વાગ્યે જ દિલ્હીના બિરલા હાઉસ ખાતેથી ધરપકડ કરી લીધી.

અમદાવાદમાં વાતાવરણ તંગ
આ બાજુ અમદાવાદમાં 9મી ઑગસ્ટના રોજ સવારથી જ વાતાવરણ ગરમ હતું. ઠેક-ઠેકાણે મોર્ચાઓ નિકળવાનાં શરૂ થઈ ગયાં. પોલીસે આંદોલનકારીઓ ઉપર લાઠીચાર્ચથી માંડી ગોળીબાર સુધીના પગલા લીધાં. સમગ્ર શહેરમાં બંધની સ્થિતિ હતી. મિલ-કારખાનાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, સરકારી-ગેરસરકારી ઑફિસો.. દરેક સ્થળે વિદ્યાર્થીઓએ બંધ કરાવ્યું. તે વખતે અમદાવાદમાં માત્ર ચાર કૉલેજો હતી. ગુજરાત કૉલેજ, એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સ, એલ. ડી. આર્ટ્સ કૉલેજ તથા સર એલ. એ. શાહ લૉ કૉલેજ. નાની-મોટી 30-35 સ્કૂલો હતી. વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરતુ હતું રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ. બીજી બાજુ પોલીસે અમદાવાદમાં ભદ્ર ખાતે આવેલ કોંગ્રેસ હાઉસને સીલ કરી ગણેશ વાસુદેવ માવળંકર સહિત મુખ્ય નેતાઓની સામૂહિક ધરપકડ કરી.

અનિયંત્રિત અમદાવાદ, ઉમાકાંત પ્રથમ શહીદ
શહેરની પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ બ્રિટિશ શાસકોએ બપોર બાદ પોલીસની મદદે સેનાને બોલાવી. માંડવીની પોળ, આસ્ટોડિયા, રાયપુર, ખાડિયા, ગાંધી રોડ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ થઈ પડ્યુ હતું. સાંજે લગભગ પાંચ વાગ્યે ખાડિયા પોસ્ટ ઑફિસ પાસે આંદોલનકારીઓનો મોટો મોર્ચો નિકળ્યો. પોલીસે આ મોર્ચા ઉપર ગોળીબારી કરી કે જેમાં એક યુવાન ઉમાકાંડ કડિયા શહીદ થઈ ગયો. કડિયા આ આંદોલનમાં અમદાવાદના પ્રથમ શહીદ તરીકે નામ નોંધાવી ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેઓ રાઇફલ એસોસિએશનના તે વખતના સચિવ હતાં. સાંજે સાત વાગ્યે તો શહેરમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું.

શહીદ થયાં કિનારીવાલા, કર્ફ્યુ વચ્ચે ઉકળાટ
બીજા દિવસે 10મી ઑગસ્ટે સવારે પોલીસે ગુજરાત કૉલેજ સંકુલ તથા હોસ્ટેલ ઉપર લાઠીચાર્જ અને ગોળીબાર કર્યું. તેથી સમગ્ર શહેરમાં ગુસ્સો ફાટી નિકળ્યો. આ ઘટનાની વિરુદ્ધ લૉ કૉલેજ ખાતેથી વિદ્યાર્થીઓએ એક જુલૂસ કાઢ્યો કે જે ગુજરાત કૉલેજ પહોંચ્યો. વિદ્યાર્થીઓએ કૉલેજ સંકુલમાં ઘુસવાની કોશિશ કરી, પરંતુ અંગ્રેજ ડીવાયએસપી તેમજ પોલીસની ટુકડીએ તેમને રોક્યાં. જુલૂસમાં લગભગ એક હજાર વિદ્યાર્થીઓ હતાં. આગળની હરોળમાં વિનોદ કિનારીવાલા સહિત કેટલાંક વિદ્યાર્થીઓ હાથે ત્રિરંગા સાથે હતાં. અંગ્રેજ સાર્જંટે વિદ્યાર્થીઓના હાથમાંથી રાષ્ટ્ર ધ્વજ છિનવવાનો પ્રયત્ન કર્યો. તેથી પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝડપ થઈ. આક્રોશિત વિદ્યાર્થીઓએ પોલીસ ઉપર જોરદાર પત્થરમારો કર્યો. તેથી પોલીસે સીધું ગોળીબાર શરૂ કર્યું. આ ગોળીબારમાં એક ગોળી વિનોદ કિનારીવાલાને લાગી અને તેઓ કૉલેજ સંકુલમાં જ શહીદ થઈ ગયાં. ગોળીબારમાં અનેક વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ. પોલીસના દમન અને કિનારાવાલાની શહાદતથી આંદોલનકારિઓનો રોષ વધુ ફાટી નિકળ્યો. 29મી ઑગસ્ટે યુવતીઓના એક જુલૂસે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઇમારત ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો.

દીવાનાઓએ કર્યાં બૉમ્બ ધડાકાં
9મી સપ્ટેમ્બરે આંદોલનને એક મહીનો પૂરો થતા શહેરમાં સમ્પૂર્ણ હડતાળ રહી અને ઠેર-ઠેર જુલૂસો નિકળ્યાં. પોલીસે આંદોલનકારીઓ ઉપર મન મૂકીને દંડા વરસાવ્યાં. 15મી સપ્ટેમ્બરે વિદ્યાર્થીઓએ ગુજરાત કૉલેજમાં ઘુસી જોરદાર તોડફોડ કરી. 20મી સપ્ટેમ્બરની રાત્રે ખાડિયા-કાળુપુરમાં વિદ્યાર્થીઓએ મોર્ચો કાઢ્યો. કર્ફ્યૂ લદાયા બાદ લોકોએ ધાબે ચઢી અંગ્રેજી શાસન વિરુદ્ધ નારાઓ લગાવ્યાં. 21મી સપ્ટેમ્બરે સરસપુર ખાતે એક કાર્યક્રમ યોજાયું કે જ્યાં આંદોલનકારીઓએ ટેલીફોનના વાયરો તોડ્યાં અને પોસ્ટ ઑફિસને આગ લગાવી દીધી. 25મી સપ્ટેમ્બરે આર. સી. હાઈસ્કૂલ ઉપર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાયું. આંદોલન દરમિયાન શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકાઓ કરાયાં. ઠેર-ઠેર સરકારી સમ્પત્તિઓને બૉમ્બ ધડાકાઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું. બૉમ્બ બનાવવાનું કામ વિદ્યાર્થીઓ પોતે જ કરતા હતાં. 30મી સપ્ટેમ્બરે રાયપુર પિપરડીની પોળમાં નરહરિપ્રસાદ રાવલ તથા નંદલાલ જોશી નામના બે યુવાનો બૉમ્બ બનાવતી વખતે થયેલ ધડાકામાં ઈજાગ્રસ્ત થઈ ગયાં કે જેમાં શિહોર (ભાવનગર)ના નંદલાલ જોશીનું ઘટનાસ્થળે મોત થઈ ગયું, જ્યારે થોડાંક દિવસ બાદ નરહરિપ્રસાદ રાવલનું પણ અવસાન થઈ ગયું.

સાડા ત્રણ માસ બંદ રહી મિલો
શહેરની અશાંત પરિસ્થિતિને જોતાં 9મી ઑગસ્ટથી ચાલતા કર્ફ્યુની અવધિ વધુ એક અઠવાડિયા લંબાવી દેવામાં આવી. વિદ્યાર્થીઓએ આંદોલન દરમિયાન માણેકચોક ખાતે આવેલ પોસ્ટ ઑફિસને નિશાન બનાવી. તે પછી શહેરની મોટાભાગની પોસ્ટ ઑફિસે અનિશ્ચિતકાળ માટે બંધ કરી દેવામાં આવી. આ દરમિયાન રાયપુર દરવાજા ખાતે આવેલી પોસ્ટ ઑફિસ લૂંટવાનો પ્રયત્ન પણ કરાયો. આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના કાર્યક્રમો દ્વારા બ્રિટિશ શાસકો તેમજ પોલીસના નાકે દમ કર્યું. વિદ્યાર્થીઓએ આંદોલનને સફળ બનાવવા શક્ય પ્રયત્નો કર્યાં. દરમિયાન જ્યારે આંદોલનકારીઓને ખબર પડી કે માણેકચોક ખાતે આવેલ શૅર બજારમાં ગુપચુપ સોદાઓ થઈ રહ્યાં છે, તો વિદ્યાર્થીઓએ બજાર પર હુમલો કરી તેને બંધ કરાવ્યું. આંદોલનના તે તબક્કામાં શહેરની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે દરરોજ બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન બજારો બંધ જ રહેતાં. વિદ્યાર્થી હડતાળ તો 9મી ઑગસ્ટથી ચાલુ જ હતી. મિલો પણ તે જ દિવસથી બંધ હતી. અમદાવાદ મજૂર મહાજન સંઘે 23મી નવેમ્બરથી મજૂરોને કામ ઉપર પરત ફરવાની અપીલ કરી. સાડા ત્રણ માસ બાદ મિલો પુનઃ ચાલુ થઈ.

નહોતી ઉજવાળી દિવાળી
1942માં ભારત છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં દિવાળી નહોતી ઉજવાઈ. શહેરમાં કોઈએ પણ ફટાકડાં ફોડ્યાં નહીં, પણ દિવાળીના તરત બાદ ઠેર-ઠેર બૉમ્બ ધડાકાઓ શરૂ થયાં. આંદોલનકારીઓએ અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કમ્પની એટલે કે એઈસીના છ સબ સ્ટેશનોને બૉમ્બથી ઉડાવી દીધાં. 7મી ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે દાણાપીઠ (ખમાસા) ખાતે આવેલ દસક્રોઈ મામલતદાર કચેરીને પેટ્રોલ છાંટી સળગાવી દેવાઈ. 9મી ડિસમ્બરે આંદોલનને ચાર માસ થતાં અનેક કાર્યક્રમો યોજાયાં કે જેમાં ભારે પત્થરમારો તથા બૉમ્બ ધડાકાઓ કરવામાં આવ્યાં. આ દરમિયાન ઢાળની પોળમાં રહેતાં વિદ્યાર્થી રસિકલાલ જાની પોલીસની ગોળીએ વિંધાઈ શહીદ થઈ ગયાં.

ચાલુ રહી શહીદીઓ
એક માસ 9મી જાન્યુઆરી, 1942ના રોલ આંદોલનને પાંચ માસ પૂર્ણ થતા રાયપુર શામળાની પોળ પાસે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ ગોળીબારમાં સિટી હાઈસ્કૂલના દસમા ધોરણના વિદ્યાર્થી ગુણવંતલાલ માણેલકલાલ શાહની છાતીની આરપાર ગોળી નિકળી ગઈ. બદા પોળ-ઢાળની પોળમાં રહેતાં ગુણવંતલાલ શાહ શહીદ થઈ ગયાં. બીજા દિવસે 10મી જાન્યુઆરીએ કર્ફ્યૂ દરમિયાન ખાડિયામાં સુથાવાડાની પોળમાં 15 વર્ષના પુષ્પવદન ત્રિકમલાલ મહેતાએ જેમ બારીમાંથી બહાર જોયું કે અંગ્રેજી અધિકારીએ ગોળી ચલાવી દીધી અને પુષ્પવદન શહીદ થઈ ગયો. 9મી માર્ચે શામળાની પોળના નાકે પોલીસ ગોળીબારમાં વસંતલાલ મોહનલાલ રાવળ નામનો વિદ્યાર્થી શહીદ થઈ ગયો. આંદોલનનો આ સિલસિલો સતત ચાલતો રહ્યો.

પાંચ વરસ સાત દિવસ બાદ સ્વાતંત્ર્ય
પાંચ વરસ સાત દિવસ બાદ ભારતમાં સ્વાતંત્ર્યનો સૂર્યોદય થયો, પણ આ સ્વાતંત્ર્યનો પાક્કો પાયો નાંખનાર ભારત છોડો આંદોલનમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો મહત્વનો ફાળો રહ્યો કે જેને ક્યારેય ભુલાવી નહિં શકાય. ગુજરાત કૉલેજ સંકુલ ખાતે સ્થાપિત શહીદ વીર કિનારીવાલાનું સ્મારક આજે પણ તે ઐતિહાસિક-ક્રાંતિકારી સંસ્મરણો તાજા કરે છે.

અમદાવાદના શહીદો
ઉમાકાંત મોતીભાઈ કડિયા - 09.08.1942
વિનોદ જમનાદાસ કિનારીવાલા - 10.08.192
નારણભાઈ મોહનભાઈ પટેલ - 25.09.1942
નાનુભાઈ કાનજીદાસ પટેલ - 30.09.1942
નંદલાલ કાનજીભાઈ જોશી - 30.09.1942
નરહરિ માણેકલાલ રાવલ - 03.10.1942
નાથાલાલ સોમચંદ શાહ - 09.11.1942
ગોરધનદાસ છગનલાલ રામી - 29.11.1942
ગુણવંતલાલ માણેકલાલ શાહ - 09.01.1943
પુષ્પવદન ત્રિકમલાલ મહેતા - 10.01.1943
વસંતલાલ મોહનલરાલ રાવળ - 09.03.1943
જયવંતીબહેન સંઘવી - 06.04.1943
મધુકાંત ડાહ્યાલાલ સોની - 0.10.1943

lok-sabha-home

English summary
9th August is calls August Kranti Diwas. 9th August, 1942 is the day, when Quit India Movement started against British rule. On this day, Ahmedabad Also yelled against British rule. Veer Vindo Kinariwala and 12 others students have sacrificed in this movement in Ahmedabad. Not celebrated diwali in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more