ChatGPT પાણીથી ચાલે છે? જાણો કેમ રોજ વપરાય છે હજારો લિટર પાણી?
તમે સાંભળ્યું હશે કે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક શક્તિશાળી ટેકનોલોજી છે, પરંતુ શું તમે જાણો છો કે તે માત્ર વીજળી જ નહીં, પણ પુષ્કળ પાણીનો પણ વપરાશ કરે છે?
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ OpenAI ના ChatGPT જેવા મોટા ભાષા મોડેલને ચલાવવા માટે દરરોજ હજારો લિટર પાણીનો ખર્ચ થાય છે.

AI સિસ્ટમને ચલાવવા માટે વિશાળ ડેટા સેન્ટર્સની જરૂર પડે છે, જેમાં હજારો કમ્પ્યુટર્સ સતત કાર્યરત રહે છે. જ્યારે આ મશીનો કલાકો સુધી ચાલે છે ત્યારે તે ખૂબ ગરમ થઈ જાય છે. આ મશીનોને ઠંડી રાખવા માટે કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ પાણીના ભારે વપરાશનું સૌથી મોટું કારણ છે.
OpenAI અને અન્ય ટેક કંપનીઓ તેમના ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે સામાન્ય રીતે ઇવેપોરેટિવ કૂલિંગ (Evaporative Cooling) ટેકનિકનો ઉપયોગ કરે છે, જેમાં ટાવર દ્વારા હવા અને પાણીને ભેળવીને તાપમાન ઓછું કરવામાં આવે છે.
2023 ના એક અહેવાલ મુજબ, ChatGPT જેવી AI સેવાઓ દરેક પ્રશ્નના જવાબ માટે સરેરાશ લગભગ 500 મિલીલિટરથી 1 લિટર સુધી પાણીનો વપરાશ કરે છે. એટલે કે, જો એક દિવસમાં લાખો લોકો ChatGPT ને પ્રશ્નો પૂછી રહ્યા છે તો દરરોજ હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે.
એક અંદાજ મુજબ, માઇક્રોસોફ્ટ અને OpenAI મળીને દર વર્ષે લગભગ 70 કરોડ લિટર પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જે એક નાના શહેરની વાર્ષિક પાણીની જરૂરિયાત બરાબર છે.
એક તરફ AI આપણા જીવનને સરળ બનાવી રહ્યું છે તો બીજી તરફ તે પર્યાવરણ પર પણ અસર કરી રહ્યું છે. જળ સંકટનો સામનો કરી રહેલા દેશોમાં આવી તકનીકોનો વધતો વપરાશ ચિંતાનો વિષય બની રહ્યો છે.












Click it and Unblock the Notifications
