સત્યાગ્રહ ફિલ્મમાં અણ્ણાની ભૂમિકા ભજવશે અમિતાભ
ભોપાલ, 15 ફેબ્રુઆરી : સામાજિક મુદ્દાઓ પર ફિલ્મ બનાવનાર નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સમાજસેવી અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે. હાલ ફિલ્મનું શૂટિંગ ભોપાલથી 15 કિલોમીટર દૂર ચિખલૌદ ખાતે ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે ભોપાલની જ લોકેશને ચક્રવ્યૂહ તેમજ આરક્ષણ ફિલ્મોનું પણ શૂટિંગ થયુ હતું. સત્યાગ્રહ ફિલ્મની વાર્તા લોકપાલ બિલ તથા અણ્ણા હઝારેના આંદોલનને આધાર બનાવી લખાઈ છે. બુધવારે ફિલ્મના મુખ્ય કલાકારો અજય દેવગણ તથા કરીના કપૂર ચિખલૌદ પહોંચ્યાં, તો લોકોની ભીડ ઉમટી પડી. તેથી ચિખલૌદ પુલ ઉપર ટ્રૅફિક જામ થઈ ગયું. પછી રાયસેન માર્ગે આવાગમન બંધ કરી દેવાયું.
સલામતીના કારણોસર ચિખલૌદ ક્ષેત્રમાં મીડિયાને પણ પ્રતિબંધિત કરી દેવાયું. ફિલ્મના સેટ ઉપર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરાયાં છે કે જેથી શૂટિંગમાં કોઈ પણ વિઘ્ન ઊભું ન થાય. દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે બાઉંસરોએ લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો.
પ્રકાશ ઝાની ગત ફિલ્મ આરક્ષણ અંગે ઘણો વિવાદ સર્જાયો હતો. ફિલ્મ ઉત્તર પ્રદેશ તથા પંજાબમાં બે સપ્તાહ મોડી રિલીઝ થઈ શકી હતી. જોકે સત્યાગ્રહ ફિલ્મના વિષય અંગો લોકોમાં અગાઉથી જ ઉત્સાહ છે અને દર્શકોને તેનો ઇંતેજાર પણ છે. વિષયની સંવેદનશીલતા જોતાં વિવાદ ઊભો થવાની શંકા પણ નકારી શકાતી નથી.












Click it and Unblock the Notifications
