મુંબઈ, 27 ડિસેમ્બર : બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ આ વખતે ન્યુ ઈયર સાથે ઉજજવવાનો નિર્ણય કર્યો છે. એટલે જ તો આ પ્રેમી યુગલને મેલબૉર્નની શેરીઓમાં હાથોમાં હાથ નાંખી ફરતા જોવામાં આવ્યાં. આપને જણાવી દઇએ કે વિરાટ કોહલી આજકાલ ઑસ્ટ્રેલિયામાં મૅચ રમી રહ્યા છે. તેવામાં તેમના ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા ક્રિસમસ તથા નવા વર્ષની ઉજવણી કરવા તેમની પાસે પહોંચી ગયાં.
વિરાટ-અનુષ્કાની મેલબૉર્ન ખાતેની એક તસવીર પણ સામે આવી છે. પિંકવિલા.કૉમે બંનેની તસવીર શૅર કરી છે. ક્રિસમસ પાર્ટીમાંથી પરત ફરતા તેમની આ તસવીર ખેંચાઈ કે જે આજકાલ વાયરલ થઈ ગઈ છે.
આ પહેલો પ્રસંગ નથી કે જ્યારે વિરાટ-અનુષ્કાને વિદેશમાં સાથે રજાઓ ગાળતા જોવામાં આવ્યા છે. આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના ન્યુઝીલૅન્ડ પ્રવાસ વખતે પણ અનુષ્કા ત્યાં પહોંચ્યા હતાં અને વિરાટ-અનુષ્કાની તસવીર વાયરલ થઈ હતી.
જોકે મેલબૉર્નની આ તસવીર ઉપરથી સ્પષ્ટ લાગે છે કે આ તસવીર પરાણે કેદ કરાઈ છે. વિરાટ હાથ બતાવી તસવીરકારને તસવીર લેતા રોકી રહ્યાં છે.
તાજેતરમાં અનુષ્કા શર્માની ફિલ્મ પીકે રિલીઝ થઈ છે અને તેથી તેઓ બ્રેક લેવા માંગતા હતાં. હવે તેઓ ઑસ્ટ્રેલિયામાં વિરાટ પાસે પહોંચી ગયાં છે નવું વર્ષ ઉજવવા.