Cannes Film Festival: સારા અલી ખાને દેસી અંદાજમાં કાન્સમાં બતાવ્યા જલવા, કહ્યુ - ઈન્ડિયન હોવા પર ગર્વ
Sara Ali Khan at Cannes Film Festival 2023: 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન દેશી અવતારમાં જોવા મળી હતી. તેણે જાણીતા ફેશન ડિઝાઈનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલ હેન્ડ-એમ્બ્રોઈડરી કરેલ મલ્ટી-પેનલ લહેંગા પહેર્યો હતો.
સારા અલી ખાનના લહેંગાનો દુપટ્ટો કાન્સની રેડ કાર્પેટ પર ખૂબ જ સુંદર લાગતો હતો. આ લુકમાં સારા અલી ખાન ખૂબ જ કૉન્ફિડન્ટ અને સુંદર લાગી રહી હતી. આ દરમિયાન, સારાએ ભારતીય હોવા પર ગર્વ હોવાનુ જણાવ્યુ હતુ.

બ્રુટ ઈન્ડિયાને એક ઈન્ટરવ્યુ આપતા સારા અલી ખાને કહ્યું, હું થોડી નર્વસ છું કારણ કે હું હંમેશા વિચારતી હતી કે કોઈ દિવસ હું કાન્નીસ રેડ કાર્પેટ પર ચાલીશ અને આજે હું અહીં છું. સારા અલી ખાને તેના લુક વિશે વાત કરતા કહ્યું, 'તે એક પરંપરાગત ભારતીય ડ્રેસ છે જેના પર હાથથી બનાવેલું વર્ક છે. મને ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે અને મને કાન્સ 2023માં ભારત અને હસ્તકલાની ઉજવણી કરવાનો ગર્વ છે.'
તેના ડ્રેસ અને ભારતીય હોવા અંગે વાત કરતાં સારાએ કહ્યું, 'હું આધુનિક અને પરંપરાગત ભારતીય પણ છું. મને આ ભારતીય ડ્રેસ ખરેખર ગમે છે.' સારા અલી ખાને વૈશ્વિક મંચ પર આવવા પર કહ્યુ કે વિશ્વભરમાં ઓળખ મેળવવાનો આ એક સારો માર્ગ છે અને મને લાગે છે કે વિશ્વ વધુને વધુ નાનુ થઈ રહ્યું છે.
સારાએ કહ્યુ કે મને લાગે છે કે એક જગ્યાએ વિવિધ સંસ્કૃતિ હોવી સુંદર છે. જ્યારે આપણે અહીં આવીએ છીએ, ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ શું છે તે વિશે ઘણું શીખીએ છીએ. આ સાથે આપણે આપણુ વ્યક્તિત્વ અને આપણી સંસ્કૃતિને લાવીએ છીએ.
તમને જણાવી દઈએ કે, સારા અલીએ કાન્સ 2023ના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરીને પોતાના કરિયરમાં એક નવી સિદ્ધિ ઉમેરી છે. સારા અલી ખાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં સિનેમામાં મહિલાઓને પુરસ્કાર આપવા અને સન્માન આપવા માટે પહોંચી.
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ફ્રાન્સમાં આયોજિત વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે જે વિશ્વભરની તમામ શૈલીઓની નવી ફિલ્મોનું પૂર્વાવલોકન કરે છે. કાન્સ 2023 16 મેના રોજ સાંજે શરૂ થયો હતો, તે 27 મે સુધી ચાલશે. સારા અલી ખાને 16મી મેના રોજ કાન્સમાં પોતાની ઉપસ્થિતિનો અનુભવ કરાવ્યો હતો. તેના સિવાય ઉર્વશી રૌતેલા અને માનુષી છિલ્લર સહિત અનેક ભારતીય સેલિબ્રિટીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.












Click it and Unblock the Notifications
