જીવતી અભિનેત્રીના અંતિમ સંસ્કારના કાર્ડ છપાયા! જાણો શું છે મમૂટીની 35 વર્ષીય હિરોઈનની સચ્ચાઈ
મલયાલમ સિનેમાની જાણીતી અભિનેત્રી અને ટીવી હોસ્ટ જ્વેલ મેરી (Jewel Mary) ના મોતના ખોટા સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અફવાઓ એટલી હદે વધી ગઈ કે ઇન્ટરનેટ પર જીવતી જાગતી અભિનેત્રીના 'અંતિમ સંસ્કાર' ના શોક સંદેશ અને કાર્ડ પણ શેર થવા લાગ્યા. આ ભયાનક અફવાઓ પર હવે ખુદ 35 વર્ષીય અભિનેત્રીએ મૌન તોડ્યું છે અને એક વીડિયો જાહેર કરીને પોતાની સચ્ચાઈ જણાવી છે.
મેગાસ્ટાર મમૂટી (Mammootty) સાથે 'યૂટોપિયાયિલ રાઝાવુ' અને 'પાથેમારી' જેવી હિટ ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે કામ કરી ચૂકેલી જ્વેલ મેરીએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે.

જ્વેલ મેરીએ જિમમાંથી વીડિયો શેર કરીને કહ્યું - 'હું જીવતી છું'
સોશિયલ મીડિયા પર પોતાની મોતના ભયાનક સમાચારો જોયા બાદ, જ્વેલ મેરીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જિમની અંદર ટ્રેડમિલ પર દોડતી અને વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જીવતી છે.
તેણે વીડિયોમાં કહ્યું, "છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર મારા મોતના ખોટા સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ તો મને મૃત જાહેર કરીને મારા અંતિમ સંસ્કારના કાર્ડ પણ છાપી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેં મારો અવાજ ગુમાવી દીધો છે, હું પથારી પર છું અને હલનચલન પણ કરી શકતી નથી. પણ મિત્રો, આ બધું ખોટું છે. હું એકદમ જીવતી અને સ્વસ્થ છું."
જૂના નિવેદનનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો
જ્વેલ મેરીએ જણાવ્યું કે આ અફવાઓ પાછળનું કારણ તેનું એક જૂનું નિવેદન છે. વર્ષ 2023 માં 'કેરળ કેન' (Kerala Can) નામના કેન્સર જાગૃતિ કાર્યક્રમ દરમિયાન તેણે કેન્સર સામેની પોતાની જૂની લડાઈ વિશે વાત કરી હતી. કેટલાક લોકોએ તે ઇવેન્ટના તેના ભાષણ અને વીડિયો ક્લિપને અત્યારે ખોટા કેપ્શન સાથે વાયરલ કરી દીધી છે, જેથી લોકોને એવું લાગે કે અત્યારે તેની હાલત ખૂબ ખરાબ છે અને તે મૃત્યુની નજીક છે.
કેન્સર સામે જંગ જીતી ચૂકી છે અભિનેત્રી
અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે વર્ષ 2023 માં તેને થાઈરોઈડ કેન્સર (Thyroid Cancer) હોવાનું નિદાન થયું હતું. લાંબી સારવાર અને સર્જરી બાદ તે સંપૂર્ણપણે કેન્સર મુક્ત થઈ ગઈ છે. તેણે જણાવ્યું કે તે પોતે BSc નર્સિંગનો અભ્યાસ કરી ચૂકી છે, તેથી તે મેડિકલ પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. હવે તે દર છ મહિને નિયમિત મેડિકલ રિવ્યૂ માટે જાય છે અને ડોક્ટર્સે પણ તેને કેન્સર મુક્ત જાહેર કરી દીધી છે.
જ્વેલ મેરીએ લોકોને અપીલ કરી છે કે આવી સંવેદનશીલ બાબતો પર કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વિના ખોટી માહિતી ન ફેલાવે, કારણ કે તેનાથી તેના પરિવાર, મિત્રો અને ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
