Haq teaser : યામી ગૌતમ અને ઇમરાન હાશમીની ફિલ્મ હકનું ટીઝર રિલીઝ
Haq teaser : બોલિવૂડમાં હંમેશાં કંઈક અલગ અને સામાજિક વિષયો પર ફિલ્મો બનાવનાર જંગલી પિક્ચર્સ એક વધુ શક્તિશાળી કહાની સાથે પરત ફર્યું છે. ઇન્સોમ્નિયા ફિલ્મ્સ અને બાવેના સ્ટુડિયોના સહયોગથી તૈયાર થયેલી તેમની નવી ફિલ્મ 'હકનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
આ ફિલ્મ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક શાહ બાનો બેગમ કેસથી પ્રેરિત એક દમદાર ડ્રામા છે, જેમાં કલાકાર યામી ગૌતમ અને ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં છે.

હક 7 નવેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનો પ્લોટ જિગ્ના વોરાના પુસ્તક બાનો: ભારતની દીકરી પર આધારિત છે, જે વ્યક્તિગત કાયદા (પર્સનલ લૉ) અને ધર્મનિરપેક્ષ કાયદા (સેક્યુલર લૉ) વચ્ચેના સંઘર્ષને ઊંડાણપૂર્વક રજૂ કરે છે.
શાહ બાનો બેગમનો કેસ 1980ના દાયકામાં પુરુષપ્રધાન સમાજ સામે એક મહિલાના સ્વાભિમાન અને અધિકારની લડત દર્શાવે છે. આ ફિલ્મમાં યામી ગૌતમ એક એવી પ્રેરણાદાયક મુસ્લિમ સ્ત્રીની ભૂમિકા ભજવી રહી છે, જે અન્યાય સામે માથું ઝુકાવવાનો ઇનકાર કરે છે. ખોટી રીતે છૂટાછેડા મળ્યા બાદ તે પોતાના અને પોતાના બાળકો માટે કલમ 125 હેઠળ કાયદેસરના હક મેળવવા મોટી કાયદાકીય લડાઈ લડે છે.
આ લડાઈ એક પ્રેમના સંબંધથી શરૂ થઈને પતિ-પત્નીના ખાનગી વિવાદમાંથી બહાર આવી, જે આપણા સમાજમાં ચાલી રહેલા સમાન નાગરિક સંહિતા (UCC) અને કાયદા સામેના ધાર્મિક પ્રશ્નોને ઉજાગર કરે છે.
યામી ગૌતમ આર્ટિકલ 370 જેવી ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા, તે આ ફિલ્મમાં એક મજબૂત અને નિશ્ચયી પાત્ર ભજવી રહી છે. તેની સામે ઇમરાન હાશમી એક સમજદાર અને અનુભવી વકીલની ભૂમિકામાં છે. આ બંને કલાકારો પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે.
આ ફિલ્મનું નિર્દેશન સુપર્ણ એસ. વર્માએ કર્યું છે. તે સિર્ફ એક બંદા કાફી હૈ અને ધ ફેમિલી મેન જેવી શ્રેણી માટે જાણીતા છે. ફિલ્મની લેખિકા રેશુ નાથ છે. કાસ્ટમાં શિબા ચડ્ડા, દાનિશ હુસૈન અને અસીમ હટ્ટાંગડી જેવા અનુભવી કલાકારો પણ સામેલ છે.
હક એક કોર્ટરૂમ ડ્રામા, લાગણીઓ અને અણધાર્યા વળાંકોથી ભરપૂર ફિલ્મ છે, જે દર્શકોને સમાજ અને કાયદા વિશે વિચારવા મજબૂર કરશે. આ ફિલ્મ ફક્ત એક કહાની નથી, પરંતુ એક માતાના અદમ્ય સાહસની ગાથા છે, જે તેનો હક મેળવવા માટે આખરી લડાઈ લડે છે.












Click it and Unblock the Notifications
