For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Birthday Ranbir : સાવરિયા ટૂ વાયજેએચડી વાયા સોનમ, દીપિકા અને કૅટરીના

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 સપ્ટેમ્બર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મોમાં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યા બાદ આજે રણબીર કપૂરે પોતાને બૉલીવુડનો નવો સુપરસ્ટાર સાબિત કર્યો છે. રણબીરે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત ફિલ્મ સાંવરિયા સાથે કરી હતી. જોકે સાંવરિયા ફ્લૉપ રહી હતી, પરંતુ પછી તો રણબીર કપૂરે એકથી એક ચડિયાતી ફિલ્મો કરી અને બર્ફી જેવી ફિલ્મ દ્વારા સીમાચિહ્ન સ્થાપિત કર્યું.

ગત વર્ષે રણબીર પાસે બર્ફીની મિઠાસ હતી, તો આ વખતે યે જવાની હૈ દીવાની જેવી સુપરહિટ ફિલ્મનો મસાલો છે જન્મ દિવસ ઉજવવા માટે. એટલું જ નહીં, ગત વર્ષ સુધી તેઓ દીપિકા પાદુકોણે સાથે અફૅર અંગે ચર્ચામાં હતાં, તો આ વર્ષે તેઓનું નામ જોડાયું છે કૅટરીના કૈફ સાથે.

આજે રણબીરનો 31મો જન્મ દિવસ છે. ગત વર્ષે બર્ફીની સફળતાની ખુશી હોવા છતાં રણબીર કપૂર પોતાનો જન્મ દિવસ ઉજવવાને બદલે પોતાની આવનારી ફિલ્મ યે જવાની હૈ દીવાનીના શુટિંગમાં વ્યસ્ત હતાં, જ્યારે આ વખતે તેઓ યે જવાની હૈ દીવાની ફિલ્મની સફળતાની ખુશી સાથે જન્મ દિવસ ઉજવશે અને સાથે હશે કૅટરીના કૈફ જેવા પાર્ટનર.

રણબીર કપૂર આજકાલ બૉલીવુડના કદાચ સૌથી હિટ અને વ્યસ્ત કલાકાર છે. એટલે જ તો તેમની પાસે અનેક સારા નિર્માતા-દિગ્દર્શકોની ફિલ્મો પડી છે. તેમની આગામી ફિલ્મ બેશરમ છે કે જેનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં તેમની સાથે પ્રથમ વાર માતા-પિતા ઋષિ કપૂર અને નીતૂ સિંહ પણ કામ કરી રહ્યાં છે. રણબીર કપૂર આ ઉપરાંત રૉય, જગ્ગા જાસૂસ અને બૉમ્બે વેલ્વેટ જેવી ફિલ્મોમાં પણ કામ કરી રહ્યાં છે.

સાવરિયાથી યે જવાની હૈ દીવાની સુધીની રણબીરની બૉલીવુડની આ યાત્રા દરમિયાન રણબીરનું જ્યાં પહેલી જ ફિલ્મ સાવરિયાની હીરોઇન સોનમ કપૂર સાથે નામ જોડાયું, તો તે પછી દીપિકા પાદુકોણે અને પ્રિયંકા ચોપરા પણ ચર્ચામાં રહ્યાં. હાલ રણબીર કપૂરનું નામ કૅટરીના કૈફ સાથે જોડાયું છે.

સાવરિયા

સાવરિયા

સને 2007માં રિલીઝ થયેલી સાંવરિયા સાથે રણબીર ફિલ્મી કરિયર શરૂ કર્યુ હતું. તેમની સાથે અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર હતી. સોનમની પણ આ પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં રાણી મુખર્જી અને સલમાન ખાન મહેમાન કલાકાર હતાં. સંજય લીલા ભાનુશાળીની આ ફિલ્મમાં એમ તો રણબીરે સારી એક્ટિંગ કરવાની બહુ કોશિશ કરી, પરંતુ કઈંક ઉણપ રહી ગઈ અને ફિલ્મ ફ્લૉપ નિવડી.

બચના ઐ હસીનો

બચના ઐ હસીનો

સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બચના ઐ હસીનોં રણબીરની બીજી ફિલ્મ હતી. તેમાં હીરો તરીકે તે એકલો હતો, પરંતુ હીરોઇનો તરીકે બિપાશા બાસુ, દીપિકા પાદુકોણે અને મિનીષા લાંબા હતી અને તેમની સામે રણબીરની એક્ટિંગ ફીકી રહી. જોકે આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો, પરંતુ રણબીર એક ચાર્મિંગ અને ચૉકલેટી બૉય સિવાય કઈંક અસર ન છોડી શક્યાં.

વેક અપ સિડ

વેક અપ સિડ

કરણ જૌહર નિર્મિત અને અયાન મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મ સાથે જ રણબીરના અંદરનો એક્ટર જાગી ઉઠ્યો. આ ફિલ્મમાં રણબીર સાથે કોંકણા સેન તેમજ અનુપમ ખેર હતાં, પરંતુ આવા અનુભવી એક્ટરો સામે પણ રણબીરે પોતાનો શ્રેષ્ઠ ફાળો આપ્યો. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 85.7 કરોડની કમાણી કરી.

અજબ પ્રેમ કી ગજબ કહાની

અજબ પ્રેમ કી ગજબ કહાની

2009માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર અને કેટરીના કૈફ મુખ્ય રોલમાં હતાં. એમ તો ફિલ્મની વાર્તામાં કોઈ દમ નહોતો, પરંતુ રણબીર-કેટની જોડી લોકોને પસંદ પડી અને ફિલ્મે 96.63 કરોડનો બિઝનેસ કર્યો. આજે તો આ જોડી પડદા કરતાં ચર્ચામાં વધુ આગળ છે.

રૉકેટ સિંહ સેલ્સમેન ઑફ ધ ઈયર

રૉકેટ સિંહ સેલ્સમેન ઑફ ધ ઈયર

આદિત્ય ચોપરાની આ ફિલ્મમાં રણબીર અને શાઝન પદ્મસીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, પરંતુ ફરી એક વાર રણબીરની એક્ટિંગે લોકોને નિરાશ કર્યાં. જોકે રણબીરની આ એવી પહેલી ફિલ્મ હતી, જેમાં તે એકલો જાણીતો એક્ટર હતો, પરંતુ રણબીર આ ભાર ઉંચકવામાં નિષ્ફળ નિવડ્યો. બૉક્સ ઑફિસે આ ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ.

રાજનીતિ

રાજનીતિ

પ્રકાશ ઝાની આ ફિલ્મ રણબીરના કરિયર માટે સીમાચિહ્ન સાબિત થઈ. તેમાં અજય દેવગણ, નાના પાટેકર, કેટરીના કૈફ, અર્જુન રામપાલ, મનોજ બાજપાઈ, સારા થૉમ્સન અને નસિરુદ્દીન શાહ જેવા ઘડાયેલા કલાકારો હતાં, પરંતુ આમ છતાં રણબીરની એક્ટિંગ વખણાઈ. જોકે ઘણી જગ્યાએ બાકીના કલાકારોએ રણબીરને ઓવરટેક કર્યું, પરંતુ આમ છતાં રણબીર પોતાનું સો ટકા પ્રયત્ન કર્યો અને પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો.

અનજાના અનજાની

અનજાના અનજાની

સાજિદ નડિયાદવાળા નિર્મિત આ ફિલ્મમાં રણબીર સાથે પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ઑક્ટોબર-2010માં રિલીઝ થયેલી. પ્રિયંકા સાથે રણબીરની આ પ્રથમ ફિલ્મ હતી. જોકે ફિલ્મ બહુ ચાલી નહિં, પણ રણબીર-પ્રિયંકાની જોડી લોકોને પસંદ પડી.

ચિલ્લર પાર્ટી

ચિલ્લર પાર્ટી

સલમાન ખાન નિર્મિત ચિલ્લર પાર્ટી ફિલ્મનું દિગ્દર્શન નીતેશ તિવારીએ કર્યુ હતું. તે બાળકો પર આધારિત હતી. જોકે રણબીર આ ફિલ્મની કાસ્ટનો ભાગ નહોતો, પણ રણબીરે તેમાં પહેલી વાર એક આઇટમ નંબર ...તેરી ટાંય ટાંય ફિસ્સ.. પર પરફૉર્મ કર્યુ હતું. આ ગીત દ્વારા ફિલ્મની માર્કેટિંગ કરાઈ હતી.

રૉકસ્ટાર

રૉકસ્ટાર

ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મે રણબીરના કરિયરને ઉંચાઈએ પહોંચાડ્યું. સાથે જ રણબીરની અંદરના કલાકારને બહાર કાઢ્યો. 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર સાથે નરગિસ ફખરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રણબીરનો અભિનય જોઈ બધા દંગ રહી ગયાં અને ફિલ્મ માટે રણબીરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ પણ મળ્યો.

બર્ફી

બર્ફી

સને 2012માં રિલીઝ થયેલી બર્ફીએ રણબીરને બૉલીવુડના ટોચના અભિનેતાઓ વચ્ચે લાવી મુક્યો. અનુરાગ બાસુ દિગ્દર્શિત આ ફિલ્મમાં રણબીર સાથે પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડી'ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે આ સમગ્ર ફિલ્મમાં રણબીરનો એક પણ ડાયલૉગ નથી, પરંતુ આમ છતાં રણબીરે વગર શબ્દોએ પોતાનું પાત્ર જે રીતે ભજવ્યું, તેને જોઈ બધાને આશ્ચર્ય થયું. આ ફિલ્મ ઑસ્કાર માટે મોકલવામાં આવી હતી, પણ દુર્ભાગ્યે તેની પસંદગી થઈ ન શકી.

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની

વર્ષ 2013માં રણબીર કપૂરની એકમાત્ર ફિલ્મ યે જવાની હૈ દીવાની રિલીઝ થઈ અને તે પણ સુપરહિટ રહી. એટલું જ નહીં, દીપિકા પાદુકોણે સાથેના તેમના અગાઉના અફૅરનો પણ આ ફિલ્મને ઘણો ફાયદો થયો. કરણ જૌહર નિર્મિત તથા અયાન મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મે અનેક રેકૉર્ડ્સ તોડ્યાં.

English summary
Ranbir Kapoor born on 28th September 1982 to the famous Bollywood couple Rishi Kapoor and Neetu Kapoor turned 31 today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X