અમદાવાદ હવે રહેશે ‘ત્રીજી આંખ’ની કડક નજરમાં: મહાનગરપાલિકા ₹૧૮૦ કરોડના ખર્ચે વધુ ૭,૦૦૦ સીસીટીવી કેમેરા લગાવશે
અમદાવાદ શહેરમાં ગુનાખોરી, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કમર કસી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે AMC દ્વારા આશરે ₹૧૮૦ કરોડના ખર્ચે નવા ૭,૦૦૦ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ નવા ફેઝના અમલીકરણ બાદ શહેરમાં કાર્યરત કુલ કેમેરાની સંખ્યા ૧૩,૦૦૦ ને પાર પહોંચી જશે, જેનાથી સમગ્ર અમદાવાદ એક મજબૂત ડિજિટલ કિલ્લામાં ફેરવાઈ જશે.

એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પર બાજ નજર
આ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી શહેરના સરહદી વિસ્તારો છે. અમદાવાદમાં બહારથી પ્રવેશતા અને બહાર જતા વાહનો પર નજર રાખવા માટે શહેરના તમામ ૮૮ મુખ્ય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સને આ સર્વેલન્સ નેટવર્ક હેઠળ આવરી લેવાશે. જેમાં સોલા, ચાંદખેડા, સાબરમતી, બોડકદેવ, જોધપુર, સરખેજ, નરોડા, સરદારનગર, રામોલ, ઓઢવ અને વટવા જેવા સંવેદનશીલ સરહદી વિસ્તારોનો સમાવેશ થાય છે. આ તમામ કેમેરાનું સીધું જોડાણ પાલડી સ્થિત મધ્યસ્થ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કરવામાં આવશે.
એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ થશે સિસ્ટમ
નવા લાગનારા કેમેરા માત્ર વિઝ્યુઅલ રેકોર્ડિંગ નહીં કરે, પરંતુ તે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજીથી સજ્જ હશે. આ ટેકનોલોજીની મદદથી નિયમ તોડનારા વાહનચાલકોની ઓળખ સેકન્ડોમાં થઈ જશે અને સીધા ઈ-મેમો જનરેટ થશે. ટ્રાફિકના નિયમો ઉપરાંત, આ સિસ્ટમ નીચે મુજબની બાબતો પર ખાસ નજર રાખશે:
- ઢાંક્યા વગર બાંધકામનો કાટમાળ (ડેબ્રિઝ) લઈ જતા ટ્રકો.
- ક્ષમતા કરતા વધુ વજન (ઓવરલોડિંગ) ધરાવતા વાહનો.
- વાહનની મર્યાદા બહાર નીકળેલા લોખંડના સળિયા કે જોખમી સામાન.
- નિયત ઊંચાઈ કરતાં વધુ ઊંચા અને પ્રતિબંધિત વાહનોની ગેરકાયદે એન્ટ્રી.
- રસ્તા પર રખડતા ઢોરની ભાળ મેળવવી, જેથી અકસ્માતો નિવારી શકાય.
સરકારી પ્લોટ અને રિવરફ્રન્ટ પણ કવર થશે
માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ ભૂમાફિયાઓ અને ગંદકી કરનારાઓ પર લગામ કસવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ૧,૫૦૦ થી વધુ ખાલી સરકારી પ્લોટ પર પણ સીસીટીવી લગાવશે. આ પગલાથી પ્લોટ પર થતા ગેરકાયદે દબાણો અને રાતોરાત ઠાલવવામાં આવતા કચરા કે કાટમાળની પ્રવૃત્તિ અટકાવી શકાશે. આ ઉપરાંત, અમદાવાદની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ ૨૫૦ કેમેરા તેમજ શહેરના ૧૭ ઓવરબ્રિજ, ફ્લાયઓવર અને અંડરપાસ પર પણ સુરક્ષા ચુસ્ત કરવામાં આવશે.
'સાસા' (SASA) ફેઝ-૨ અંતર્ગત કામગીરી
સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ (SCADL) દ્વારા આ પ્રોજેક્ટ 'સેફ એન્ડ સિક્યોર અમદાવાદ' (SASA) ના બીજા તબક્કા હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. અગાઉ નવેમ્બર ૨૦૨૫ માં ૬,૦૦૦ કેમેરાનું આયોજન હતું, પરંતુ રિવરફ્રન્ટ અને એન્ટ્રી પોઈન્ટ્સની જરૂરિયાતને જોતા આ વ્યાપ વધારીને ૭,૦૦૦ કેમેરાનો કરવામાં આવ્યો છે.
તંત્રના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટના ટેન્ડરની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે અને ચાલુ મે મહિનાના અંત સુધીમાં તેને આખરી ઓપ આપી દેવામાં આવશે, ત્યારબાદ ગણતરીના મહિનાઓમાં જ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ થઈ જશે.












Click it and Unblock the Notifications
