રણબીર કપૂરની ફિલ્મી સફર : સાંવરિયાથી બર્ફી સુધી
મુંબઈ, 28 સપ્ટેમ્બર : સંજય લીલા ભાનુશાળીની ફિલ્મોમાં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યા બાદ આજે રણબીર કપૂરે પોતાને બૉલીવુડનો નવો સુપરસ્ટાર સાબિત કર્યો છે. રણબીરે પોતાના બૉલીવુડ કરિયરની શરુઆત ફિલ્મ સાંવરિયા સાથે કરી હતી. જોકે સાંવરિયા ફ્લૉપ રહી હતી, પરંતુ પછી તો રણબીર કપૂરે એકથી એક ચડિયાતી ફિલ્મો કરી અને બર્ફી જેવી ફિલ્મ દ્વારા સીમાચિહ્ન સ્થાપિત કર્યું.
આજે રણબીરનો જન્મ દિવસ છે. છતાં તે જન્મ દિવસ ઉજવવાને બદલે પોતાની આવનારી ફિલ્મ યે જવાની હૈ દીવાનીના શુટિંગમાં વ્યસ્ત છે.
તો આવો જોઇએ સાંવરિયાથી બર્ફી સુધીની રણબીરની બૉલીવુડની યાત્રા-

સાંવરિયા
સને 2007માં રિલીઝ થયેલી સાંવરિયા સાથે રણબીર ફિલ્મી કરિયર શરૂ કર્યુ હતું. તેમની સાથે અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર હતી. સોનમની પણ આ પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં રાણી મુખર્જી અને સલમાન ખાન મહેમાન કલાકાર હતાં. સંજય લીલા ભાનુશાળીની આ ફિલ્મમાં એમ તો રણબીરે સારી એક્ટિંગ કરવાની બહુ કોશિશ કરી, પરંતુ કઈંક ઉણપ રહી ગઈ અને ફિલ્મ ફ્લૉપ નિવડી.

બચના ઐ હસીનો
સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બચના ઐ હસીનોં રણબીરની બીજી ફિલ્મ હતી. તેમાં હીરો તરીકે તે એકલો હતો, પરંતુ હીરોઇનો તરીકે બિપાશા બાસુ, દીપિકા પાદુકોણે અને મિનીષા લાંબા હતી અને તેમની સામે રણબીરની એક્ટિંગ ફીકી રહી. જોકે આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો, પરંતુ રણબીર એક ચાર્મિંગ અને ચૉકલેટી બૉય સિવાય કઈંક અસર ન છોડી શક્યાં.

વેક અપ સિડ
કરણ જૌહર નિર્મિત અને અયાન મુખર્જી દિગ્દર્શિત આ ફિલ્મ સાથે જ રણબીરના અંદરનો એક્ટર જાગી ઉઠ્યો. આ ફિલ્મમાં રણબીર સાથે કોંકણા સેન તેમજ અનુપમ ખેર હતાં, પરંતુ અાવા અનુભવી એક્ટરો સામે પણ રણબીરે પોતાનો શ્રેષ્ઠ ફાળો આપ્યો. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 85.7 કરોડની કમાણી કરી.

અજબ પ્રેમ કી ગજબ કહાની
2009માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર અને કેટરીના કૈફ મુખ્ય રોલમાં હતાં. એમ તો ફિલ્મની વાર્તામાં કોઈ દમ નહોતો, પરંતુ રણબીર-કેટની જોડી લોકોને પસંદ પડી અને ફિલ્મે 96.63 કરોડનો બિઝનેસ કર્યો.

રૉકેટ સિંહ સેલ્સમેન ઑફ ધ ઈયર
આદિત્ય ચોપરાની આ ફિલ્મમાં રણબીર અને શાઝન પદ્મસીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, પરંતુ ફરી એક વાર રણબીરની એક્ટિંગે લોકોને નિરાશ કર્યાં. જોકે રણબીરની આ એવી પહેલી ફિલ્મ હતી, જેમાં તે એકલો જાણીતો એક્ટર હતો, પરંતુ રણબીર આ ભાર ઉંચકવામાં નિષ્ફળ નિવડ્યો. બૉક્સ ઑફિસે આ ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ.

રાજનીતિ
પ્રકાશ ઝાની આ ફિલ્મ રણબીરના કરિયર માટે સીમાચિહ્ન સાબિત થઈ. તેમાં અજય દેવગણ, નાના પાટેકર, કેટરીના કૈફ, અર્જુન રામપાલ, મનોજ બાજપાઈ, સારા થૉમ્સન અને નસિરુદ્દીન શાહ જેવા ઘડાયેલા કલાકારો હતાં, પરંતુ આમ છતાં રણબીરની એક્ટિંગ વખણાઈ. જોકે ઘણી જગ્યાએ બાકીના કલાકારોએ રણબીરને ઓવરટેક કર્યું, પરંતુ આમ છતાં રણબીર પોતાનું સો ટકા પ્રયત્ન કર્યો અને પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો.

અનજાના અનજાની
સાજિદ નડિયાદવાળા નિર્મિત આ ફિલ્મમાં રણબીર સાથે પ્રિયંકા ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ઑક્ટોબર-2010માં રિલીઝ થયેલી. પ્રિયંકા સાથે રણબીરની આ પ્રથમ ફિલ્મ હતી. જોકે ફિલ્મ બહુ ચાલી નહિં, પણ રણબીર-પ્રિયંકાની જોડી લોકોને પસંદ પડી.

ચિલ્લર પાર્ટી
સલમાન ખાન નિર્મિત ચિલ્લર પાર્ટી ફિલ્મનું દિગ્દર્શન નીતેશ તિવારીએ કર્યુ હતું. તે બાળકો પર આધારિત હતી. જોકે રણબીર આ ફિલ્મની કાસ્ટનો ભાગ નહોતો, પણ રણબીરે તેમાં પહેલી વાર એક આઇટમ નંબર ...તેરી ટાંય ટાંય ફિસ્સ.. પર પરફૉર્મ કર્યુ હતું. આ ગીત દ્વારા ફિલ્મની માર્કેટિંગ કરાઈ હતી.

રૉકસ્ટાર
ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મે રણબીરના કરિયરને ઉંચાઈએ પહોંચાડ્યું. સાથે જ રણબીરની અંદરના કલાકારને બહાર કાઢ્યો. 2011માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રણબીર સાથે નરગિસ ફખરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રણબીરનો અભિનય જોઈ બધા દંગ રહી ગયાં અને ફિલ્મ માટે રણબીરને બેસ્ટ એક્ટરનો એવૉર્ડ પણ મળ્યો.

બર્ફી
સને 2012માં રિલીઝ થયેલી બર્ફીએ રણબીરને બૉલીવુડના ટોચના અભિનેતાઓ વચ્ચે લાવી મુક્યો. અનુરાગ બાસુ દિગ્દર્શિત આ ફિલ્મમાં રણબીર સાથે પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડી'ક્રૂઝ મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે આ સમગ્ર ફિલ્મમાં રણબીરનો એક પણ ડાયલૉગ નથી, પરંતુ આમ છતાં રણબીરે વગર શબ્દોએ પોતાનું પાત્ર જે રીતે ભજવ્યું, તેને જોઈ બધાને આશ્ચર્ય થયું. આ ફિલ્મ ઑસ્કાર માટે મોકલવામાં આવી છે. હવે માત્ર ઇંતેજાર છે તે પળનો, જ્યારે ઑસ્કારમાં આ ફિલ્મ અંગેનો નિર્ણય સંભાળાવવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
