મુંબઈ, 30 ઑક્ટોબર : વેલ, રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાનીના શૂટિંગમાં વ્યસ્ત છે, તો રણબીર કપૂર પણ તેમની આગામી ફિલ્મ તમાશા માટે તૈયાર છે.
બાજીરાવ મસ્તાની અને તમાશાની ખાસિયત એ છે કે બંને ફિલ્મોમાં દીપિકા પાદુકોણે કૉમન લીડિંગ એક્ટ્રેસ છે. આ બંને ફિલ્મોમાં વધુ એક કૉમન વાત એ છે કે બાજીરાવ મસ્તાની અને તમાશા બંને એક જ દિવસે રિલીઝ થવાની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત રણવીર સિંહની બાજીરાવ મસ્તાની તથા ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત રણબીર કપૂરની તમાશા ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બરમાં એક જ દિવસે રિલીઝ થવાની છે.
જો આમ થાય, તો રણવીર સિંહ અને રણબીર કપૂર વચ્ચે બૉક્સ ઑફિસે ફેસ ટુ ફેસ ફાઇટ થશે. બીજી બાજુ દીપિકા પાદુકોણેના બંને હાથે લાડવાં રહેશે, કારણ કે બંને ફિલ્મોમાં તેઓ જ લીડ એક્ટ્રેસ છે. કદાચ દીપિકા પાદુકોણે એટલા માટે જ નિશ્ચિંત પણ હશે.
આ બંને ફિલ્મોની વધુ એક-એક ખાસિયત છે. તમાશા ફિલ્મ રણબીર-દીપિકાના બ્રેક-અપ બાદ બીજી ફિલ્મ હશે. અગાઉ બંને યે જવાની હૈ દીવાની ફિલ્મ કરી ચુક્યા છે. તેવી જ રીતે બાજીરાવ મસ્તાની રણવીર-દીપિકાના લવ-અફૅર બાદ બીજી ફિલ્મ હશે. અગાઉ બંને રામલીલા ફિલ્મમાં સાથે હતાં અને તે ફિલ્મથી જ બંને વચ્ચે રોમાંસ શરૂ થયો હતો.