બૉલિવુડમાંથી માઠા સમાચાર, 'સિંઘમ' અભિનેતા જયંત સાવરકરનુ 87 વર્ષની વયે નિધન
Jayant Savarkar Passed Away: મનોરંજન જગતના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે, મરાઠી અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા જયંત સાવરકરનું સોમવારે સવારે વય સંબંધિત બિમારીઓને કારણે હૉસ્પિટલમાં નિધન થયું છે.
અભિનેતાએ 87 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું, આ વાતની માહિતી ખુદ અભિનેતાના પુત્રએ આપી છે. 'સિંઘમ' અભિનેતા જયંત સાવરકરના નિધનની માહિતી તેમના પુત્ર કૌસ્તુભ સાવરકરે ચાહકો સાથે શેર કરી છે.

અભિનેતાના પુત્ર કૌસ્તુભે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, લગભગ 10-15 દિવસ પહેલા તેમને લો બ્લડ પ્રેશરના કારણે થાણેની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
23મી જુલાઈએ રાતે અચાનક તેમની તબિયત લથડી અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓને કારણે 24 જુલાઈએ સવારે લગભગ 11 વાગે તેમનું અવસાન થયું. પીઢ અભિનેતાના ચાહકોને આ સમાચાર મળતા જ તેઓ ચોંકી ગયા હતા.
સૂત્રોનું માનીએ તો તેમના પરિવારના સભ્યો અને સંબંધીઓ તેમના અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યા છે, મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતાના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને બે પુત્રી છે.
જયંત સાવરકરે લગભગ છ દાયકા સુધી મરાઠી અને હિન્દી ફિલ્મો તેમજ થિયેટર અને ટેલિવિઝન જેવા ક્ષેત્રોમાં અભિનય કર્યો. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 'હરિ ઓમ વિઠ્ઠલ', 'ગડબદ ગોંધલ', '66 સદાશિવ' અને 'બકાલ', 'યુગપુરુષ', 'વાસ્તવ' અને 'સિંઘમ' વગેરેનો સમાવેશ થાય છે.
જયંત સાવરકર મરાઠી સિનેમાના જાણીતા કલાકાર હતા, મહારાષ્ટ્ર સરકારે તેમને અભિનેતાના સન્માનમાં એવોર્ડ પણ આપ્યો હતો. સાવરકરને મહારાષ્ટ્ર સરકાર દ્વારા નટવર્ય પ્રભાકર પાનશીકર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
