અમદાવાદી છોકરાની શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ નોમિનેટ
અમદાવાદી છોકરાની શોર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં થઈ નોમિનેટ
હાલના સમયમાં શોર્ટફિલ્મ્સ પણ ખૂબ જ જોવાય છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી કાજોલ, નેહા ધૂપિયા સ્ટારર શોર્ટ ફિલ્મ 'દેવી’એ ખૂબ જ ચર્ચા જગાવી હતી. ત્યારે હવે શોર્ટ ફિલ્મ ક્ષેત્રે એક અમદાવાદી યુવાને પણ જબરજસ્ત સિદ્ધી મેળવી છે. અમદાવાદના આર્ષ ઉપાધ્યાયે બનાવેલી શોર્ટ ફિલ્મ 'માર્ટિસાઈડ’ બે બે જાણીતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ છે.

આર્ષ ઉપાધ્યાયની શોર્ટ ફિલ્મ
અમદાવાદના આર્ષ ઉપાધ્યાયની શોર્ટ ફિલ્મ ‘માર્ટિસાઈડ' ઈટાલીના ફ્લોરેન્ઝો સેરા ફિલ્મ ફેસ્ટિવલ અને લિફ્ટ ઓફ ગ્લોબલ નેટવર્ક સેશન્સ, 2020 જેવા રેપ્યુટેડ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં નોમિનેટ થઈ છે. આ શોર્ટ ફિલ્મ અંગ્રેજી લેખક રોહ્ન ડાહલની વાર્તા ‘લેમ્બ ટુ ધ સ્લોટર' પર આધારિત છે. ઈન્ટરનેશનલ લેવલે ફિલ્મ નોમિનેટ થતા આર્ષ ખૂબ જ ખુશ છે.

કોલેજના પ્રોજેક્ટ
‘માર્ટિસાઈડ' વિશે વાત કરતા આર્ષનું કહેવું છે કે,'હું જ્યારે ફિલ્મ પ્રોડક્શનનું ભણતો હતો, ત્યારે મારે પ્રોજેક્ટના ભાગ રૂપે એક ફિલ્મ બનાવવાની હતી. રોહ્ન ડાહ્લની આ વાર્તા મેં વાચી હતી, એટલે એ પરથી મારે કંઈક બનાવવું હતું. એટલે કોલેજના પ્રોજેક્ટ માટે મેં ‘માર્ટિસાઈડ' બનાવી.' રસપ્રદ વાત એ છે કે આર્ષે આ ફિલ્મની સ્ટોરી લખી છે, ડિરેક્ટ પણ કરી છે અને એડિટ પણ તેણે પોતે ત જ કરી છે. આ પહેલા આર્ષ ઉપાધ્યાય જુદી જુદી શોર્ટમ ફિલ્મ્સ પણ બનાવી ચૂક્યા છે. ફિલ્મ વિશે વાત કરતા આર્ષ કહે છે,' ‘માર્ટિસાઈડ' એક મર્ડરની સસ્પેન્સ સ્ટોરી છે. 20 મિનિટની આ ફિલ્મ એક મર્ડર અને તેના મર્ડરરને શોધવાની આસપાસ ફરે છે. યુટ્યુબ પર આ શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. આમ તો ફિલ્મના નામમાં જ બધું આવી જાય છે. પણ છતાંય સસ્પેન્સ દર્શકોને ગમશે.'

સ્પેશિયલ મેન્શન જ્યુરી એવોર્ડ
આ બે ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેશન ઉપરાંત ‘માર્ટિસાઈડ'ને આર્ષની કોલેજ એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનમાં સ્પેશિયલ મેન્શન જ્યુરી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ ફિલ્મ તેમણે મે, 2019માં બનાવી હતી. ફિલ્મમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર કમલ જોશીએ એક્ટિંગ કરી છે. આ ઉપરાંત તારિકા ત્રિપાઠી પણ લીડ રોલમાં છે. તો યુવરાજ ગઢવી પણ આ ફિલ્મનો મહત્વનો હિસ્સો છે.












Click it and Unblock the Notifications
