
બસ ચા સુધી સિઝન 3નું ટ્રેલર રિલીઝ, આ દિવસે આવશે પહેલો એપિસોડ
બસ ચા સુધી આ વેબસિરીઝની પાછલી બંને સિઝને તેના ચાહકોને ચા જેવું જ ઘેલુ લગાડ્યુ છે. બસ ચા સુધીની ત્રીજી સિઝનની જાહેરાત થઈ ત્યારથી લોકો રાહ જોતા હતા કે ક્યારે રિલીઝ થશે. ત્યારે હવે બસ ચા સુધી સિઝન 3ની પહેલી ઝલક આવી ચૂકી છે. આ ગુજરાતી વેબસિરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે.

વાર્તા બદલાઈ, પાત્ર બદલાયા
ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ વેબસિરીઝ લવ ટ્રાયેન્ગલ છે. ટ્રેલરમાં ત્રણ પાત્રોની વાર્તા દેખાઈ રહી છે. ગૌરવ પાસવાલાનું પાત્ર વારાફરથી બંને હિરોઈન્સના પ્રેમમાં પડતુ હોય તેવું લાગી રહ્યું છે. જો કે આખી સ્ટોરી જાણવા માટે તો આપણે વેબસિરીઝ રિલીઝ થાય તેની જ રાહ જોવી પડશે. જો કે મોનલ ગજ્જર અને જીનલ બેલાણી બંને ટ્રેલરમાં સુપરક્યુટ લાગી રહ્યા છે. તો ગૌરવ પાસવાલા પણ ચાર્મિંગ દેખાઈ રહ્યા છે.
અહીં જુઓ ટ્રેલર
ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં એક્ટર્સ પણ બદલાયા છે. બસ ચા સુધીની પહેલી સિઝનમાં આરજે રુહાન આલમ સાથે ભૂમિકા બારોટ હતા. તો બીજી સિઝનમાં રુહાનની સાથે જીનલ બેલાણી હતા. આ વખતે ગૌરવ પાસવાલાએ રુહાન આલમને રિપ્લેસ કર્યા છે. તો બીજી હિરોઈનની એન્ટ્રી થઈ છે. રેવા ફેમ મોનલ ગજ્જર પણ આ વખતે બસ ચા સુધીનો ભાગ બન્યા છે

14 ફેબ્રુઆરીએ ધમાલ મચાવશે
બસ ચા સુધીને પ્રિયલ પટેલે ડિરેક્ટ કરી છે, તો હિરેન દોશી કૉ-ડિરેક્ટર છે. ત્રીજી સિઝનની વાર્તા પણ આગળની બે સિઝનના સફળ રાઈટર સંદીપ દવેએ લખી છે. બસ ચા સુધી આસ્થા પ્રોડક્શનના બેનર હેઠળ રિલીઝ થઈ રહી છે. ચાહકો માટે સારી વાત એ છે કે પ્રેમના પ્રતીક તરીકે ઓળખાતા વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ જ આ સિરીઝનો પહેલો એપિસોડ રિલીઝ થવાનો છે. ત્યારે ફરી એકવાર ચા, ચહીતા લોકો અને બસ ચા સુધીના ચાહકોનો સંગમ થશે.