Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ તૈયાર, સરકારે પાણી પહેલા બાંધી પાળ
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય રોગ અંગે સાવચેતીના ભાગરૂપે બાળકો માટે 300 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર અને PPE કીટની સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિદર્શન કરવામાં આવ્યું છે.
ચીનમાં બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે પણ 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે.

એડવાઈઝરી જાહેરાત કરીને આ રાજ્યોને જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આ અંતર્ગત ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરીને રાજ્યની તમામ હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવા જણાવ્યું છે. આ પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડની સમકક્ષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, કોવિડના પીક દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની 2 ટાંકી લગાવવામાં આવી હતી. તાજેતરમાં આ બંને ટાંકીઓની કાર્યક્ષમતા ચકાસવા માટે નિદર્શન કરવામાં આવ્યું છે.
આ સિવાય 20 હજાર લીટરની ઓક્સિજન ટાંકી સંપૂર્ણ રીતે કાર્યરત છે. પ્રતિ મિનિટ 5300 લીટર ઓક્સિજન જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. દવાઓ અને લેબ ટેસ્ટ કીટની ઉપલબ્ધતા સહિત પ્રશિક્ષિત સ્ટાફ છે.












Click it and Unblock the Notifications
