સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો મોટો ગૂચ્છો કાઢ્યો
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એક અત્યંત જટિલ અને દુર્લભ સર્જરી કરીને 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને શૂ-લેસના દોરાનો મોટો ગૂચ્છો (ટ્રાઇકોબેઝોઅર) સફળતાપૂર્વક દૂર કર્યો છે.
આ સર્જરી બાદ બાળકને નવજીવન મળ્યું છે. આ કિસ્સાએ ડોક્ટરો અને સામાન્ય લોકો બંનેને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી 7 વર્ષનો શુભમ નિમાણા છેલ્લા બે મહિનાથી પેટમાં દુખાવો, સતત ઉલટી અને વજન ઘટવાની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો.
તેના પરિવારે મધ્યપ્રદેશની એક ખાનગી હોસ્પિટલમાં આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ તેની તકલીફમાં કોઈ સુધારો થયો નહીં. તેઓ શુભમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા.
અહીંના ડોક્ટરોએ સીટી સ્કેન અને એન્ડોસ્કોપી જેવી તપાસ કરી તો જાણવા મળ્યું કે બાળકના પેટ અને નાના આંતરડામાં વાળ, ઘાસ અને દોરાનો મોટો ગૂચ્છો છે. આ એક અત્યંત દુર્લભ બિમારી છે, જેનું પ્રમાણ માત્ર 0.3% થી 0.5% જેટલું જ જોવા મળે છે.
સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને પ્રોફેસર ડો. જયશ્રી રામજીની આગેવાની હેઠળ ડોક્ટરોની એક ટીમે જટિલ એક્સપ્લોરેટરી લેપ્રોટોમી સર્જરી કરીને આ ગૂચ્છો દૂર કર્યો.
સર્જરી બાદ બાળકને છ દિવસ સુધી મોં વાટે ખોરાક આપવામાં આવ્યો ન હતો. સાતમા દિવસે ડાઇ ટેસ્ટ કરીને એ ખાતરી કરવામાં આવી કે પેટમાં કોઈ અવશેષ બાકી નથી. આ સર્જરીની સાથે સાથે, શુભમનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું જેથી ભવિષ્યમાં તેને આવી કોઈ આદત ન પડે. હાલમાં શુભમ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ડો. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, ટ્રાઇકોબેઝોઅર એ બાળકોમાં જોવા મળતી એક દુર્લભ સમસ્યા છે, જેમાં પેટમાં વાળનો ગૂચ્છો બની જાય છે. બેઝોઅરના મુખ્ય ચાર પ્રકાર હોય છે.
- ટ્રાઇકોબેઝોઅર: વાળનો ગૂચ્છો
- ફાઇટોબેઝોઅર: શાકભાજી કે ફળોના રેસાનો ગૂચ્છો
- લેક્ટોબેઝોઅર: દૂધનો ગૂચ્છો
- ફાર્માકોબેઝોઅર: દવાઓની ગાંઠ
આ રોગના લક્ષણોમાં વારંવાર પેટમાં દુખાવો, પેટ ફૂલવું, ઉબકા-ઉલટી, ભૂખ ન લાગવી, વજન ઘટવું, કબજિયાત અને આંતરડામાં અવરોધ જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો ગૂચ્છો નાનો હોય તો એન્ડોસ્કોપીથી દૂર કરી શકાય છે, પરંતુ મોટા ગૂચ્છા માટે સર્જરી જ એકમાત્ર ઉપચાર છે.












Click it and Unblock the Notifications
