Ahmedabad: Ahmedabad job scam: નોકરીના નામે અમદાવાદમાં સેંકડોને ઠગ્યા
Ahmedabad Job Scam: અમદાવાદમાં બોલીવુડની ફિલ્મી સ્ટોરીને ટક્કર આપી શકે, તેવા પ્લાનિંગ દ્વારા છેતરપિંડી કરનારાઓએ એક જટિલ કૌભાંડને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદમાં 200 થી વધુ નોકરી શોધનારાઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
આ સ્કીમમાં ફેક જોબ કોલ લેટર મોકલવા, શોર્ટ ઇન્ટરવ્યુ લેવા, લોજિસ્ટિક્સના બહાના હેઠળ પૈસા ઉપાડવા, પછી કોઈ ભાળ લીધા વિના ગાયબ થઈ જવાનો સમાવેશ થતો હતો.

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, હાટકેશ્વરની 23 વર્ષની ફ્રિલાન્સ ફેશન ડિઝાઈનર દેવિકા રામાણી તાજેતરમાં જ આ વિસ્તૃત વેબમાં ફસાઈ ગઈ હતી.
જોબ પોર્ટલ પર તેણીનો બાયોડેટા પોસ્ટ કર્યા પછી, તેણીને 7 ડિસેમ્બરના રોજ ટેક્સટાઇલ અને ફેશન ડિઝાઇનર કંપની તરફથી એક સંદેશ મળ્યો હતો, જેમાં વાર્ષિક પગાર રૂપિયા 5 લાખ અને રૂપિયા 9 લાખની વચ્ચે હતો.
કંપનીએ ઉમેદવારોને એમ કહીને લલચાવી હતી કે, તેઓ ઘરેથી અથવા અમદાવાદ ઓફિસમાંથી કામ કરી શકે છે. જોબ સિકર્સને રામદેવનગરમાં મોન્ડેલ હાઇટ્સ ખાતેની ઓફિસમાં વોક-ઇન ઇન્ટરવ્યુ માટે આવવા માટે કહેવામાં આવ્યું હતું.
જ્યારે રામાણી ઓફિસે પહોંચી, ત્યારે તેણે કેટલાક લોકોને કામ કરતા જોયા, અને તેમાંથી એકે તેને મેનેજરને મળવા કહ્યું હતું. જેણે તેનો ઇન્ટરવ્યુ લીધો હતો. દેવિકાએ જણાવ્યું હતું કે, મેનેજરે તેને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા, જેમાં મને ફેશન ડિઝાઇનરની નોકરી માટે શા માટે પસંદ કરવામાં આવે, તે સહિતનો સમાવેશ થાય છે. હું હજૂ મારો જવાબ આપી રહી હતી, ત્યારે તેમણે મને કહ્યું કે, મારી પસંદગી થઈ ગઈ છે. મને એક ફોર્મ ભરવા અને પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
દેવિકા રામાણીએ જણાવ્યું હતું કે, દેવ દીક્ષિત નામના એચઆર મેનેજર તરીકે દેખાતા એક વ્યક્તિએ તેના પર લેપટોપ અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ માટે 20,800 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું.
આશરે રૂપિયા 35,000ના માસિક પગાર અને પ્રોત્સાહનોની ઓફરથી લલચાઈને દેવિકા રમાણીએ રકમ ચૂકવી દીધી અને સોમવારના રોજ તેની નવી નોકરી શરૂ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. જોકે, જ્યારે તેણી ઓફિસમાં આવી, ત્યારે તેણીએ શોધી કાઢ્યું કે, સમગ્ર સેટઅપ એક કાવતરું હતું. દેવિકાએ જણાવ્યું હતું કે, જ્યારે હું બીજા દિવસે ત્યાં ગઇ, ત્યારે મને કહેવામાં આવ્યું કે, કોમર્શિયલ સેન્ટરમાં આવી કોઈ ઓફિસ કાર્યરત નથી. કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઇડર્સના પ્રતિનિધિએ મને જણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારાઓએ માત્ર ચાર દિવસ માટે ઓફિસ ભાડે લીધી હતી.
દેવિકા રામાણી એકમાત્ર પીડિત નથી. આ ફેક જોબ સ્કેમના ઇન્ટરવ્યુમાં આશરે 200 લોકોએ હાજરી આપી હતી, એમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હજુ ઘણા લોકો આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવાના બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેર અને જિલ્લામાં આવા જ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં નોકરીની ઈચ્છા ધરાવતા લોકો, મુખ્યત્વે વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
