સરકારનો મોટો નિર્ણય, સાર્વજનિક સ્થળોએ ફરજિયાત ગુજરાતી ભાષામાં લખાણ લખાશે
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાનુ મહત્વ જાળવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ભાષાનુ મહત્વ જાળવવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે કે સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશવાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે. પ્રથમ તબક્કે આ નિર્ણય રાજ્યના 8 મહાનગરોમાં અમલી બનશે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં આ નિર્ણયનો પહેલા અમલ કરવામાં આવશે.

રાજ્યના આ આઠ શહેરોના સાર્વજનિક સ્થળોએ જાહેરાત, સૂચના, દિશા-નિર્દેશ અને માહિતીના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આ સિવાય સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેવા કે રેસ્ટોરાં, સિનેમા હોલ, શાળા, કૉલેજ, સુપર માર્કેટ, મોલ્સ, હોસ્પિટલ, કૉફી શૉપ, પુસ્તકાલયમાં સૂચના અને માહિતીના બૉર્ડ હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લગાવવાના રહેશે. ટૂંકમાં જાહેર સ્થળોએ ક્યાંય પણ લગાવેલા બોર્ડ પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કરીને રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, પરિસરો અને સાર્વજનિક સ્થળોએ લખાણમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવા માટે જણાવ્યુ છે. ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળોએ પણ ગુજરાતી ભાષાના ફરજિયાત ઉપયોગની સૂચના આપવામાં આવી છે. તમામ મનપા કમિશનરોએ આ બાબતે અમલીકરણ કરવાનુ રહેશે. તમને જણાવી દઈએ કે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ છે. એ પહેલા લેવાયેલો આ નિર્ણય ગુજરાતી ભાષાનુ ગૌરવ જાળવવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
