અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર મોડી રાતે ખતરનાક હિટ એન્ડ રન, 2 વિદ્યાર્થીઓ સહિત 9 લોકોના કમકમાટીભર્યા મોત
Hit and Run: અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર મોડી રાતે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક કૉન્સ્ટેબલ અને જવાન તેમજ સુરેન્દ્રનગરથી અભ્યાસ માટે આવેલા 2 વિદ્યાર્થીઓ સહિત 9 લોકોના દર્દનાક મોત થયા છે.
મળતી માહિતી મુજબ શહેરમાં મોટી રાતે જેગુઆર ચાલકે બ્રિજ પર ઉભેલા ટોળા પર પૂરપાટ ઝડપે ગાડી ફેરવી દીધી હતી. આ યુવક અમદાવાદના જાણીતા બિલ્ડરનો છોકરો છે. અહીં પહેલાથી જ એક અકસ્માત થયો હતો, જે જોવા માટે લોકોના ટોળા ઉભા હતા. આ દરમિયાન એક જેગુઆર પૂર ઝડપે આવી અને 9 લોકોને કાળના મુખમાં ધકેલી દીધા.

અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના કુખ્યાત વ્યક્તિનો દીકરો છે. કારની સ્પીડ 150 કિમી ની આસપાસ હતી. મૃતકોમાં નિરવ - ચાંદલોડિયા, અક્ષય ચાવડા - બોટાદ, રોનક વિહલપરા - બોટાદ, ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ), કૃણાલ કોડિયા - બોટાદ, અમન કચ્છી -સુરેન્દ્રનગર, અરમાન વઢવાનિયા - સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
9 મૃતકોમાં 2 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. માહિતી મુજબ યુવક 180થી વધુની સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. ગાડીની એરબેગ પણ ફાટી ગઈ હતી. ઈસ્કોન બ્રીજ પર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર પહેલેથી જ મહિન્દ્રા થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો. ઘાયલોને મદદ કરવા માટે લોકોની ભીડ જમા થયેલી હતી. સુરેન્દ્રનગરથી અભ્યાસ માટે અમદાવાદ આવેલા 2 વિદ્યાર્થીઓ સહિત હોમગાર્ડ અને કૉન્સ્ટેબલ પણ અહીં હાજર હતા.
તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 180થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કૉન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
જેગુઆરની ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા લોકો હવામાં ફંગોળાઈ 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા. ઘટના સ્થળ પર જ 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા બાદ તેમના મોત નીપજ્યા હતા.
કાર ચાલક અમદાવાદના જાણીતા બિલ્ડરનો પુત્ર તથ્ય પટેલ હોવાનુ સામે આવ્યુ છે. તેની સાથે એક બીજો યુવક અને યુવતી પણ હતા. તેમને પણ ઈજાઓ થઈ હતી. ઘટના બાદ લોકોએ કાર ચાલકને પાઠ ભણાવ્યો હતો. જો કે, અમુક લોકોએ તેમને બચાવીને સિમ્સ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. થોડા સમય બાદ કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
