31 નવી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો સરકારનો નિર્ણય
31 નવી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો સરકારનો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. રાજ્યમાં ચાલી રહેલા કોરોના વાયરસ સંક્રમણ બાબતે લેવાયેલા પગલાં અને તેને સુસંગત નિર્ણય લેવામાં આવ્યા હતા. વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરાયો હતો.

તમામ સુવિધાયુક્ત હોસ્પિટલ અને સ્ટાફ કરાશે તૈનાત
એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત આ હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં આવી ડેઝિગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરવામાં આવી છે. ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોનો આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવાઇ છે. કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે. ત્યારે, અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ICU સુવિધાયુક્ત હોસ્પિટલો શરૂ કરાશે.
કોરોના સંક્રમિતો માટે ર૬ જિલ્લામાં હોસ્પિટલ કાર્યરત કરી
રાજ્ય કેબિનેટની બેઠકમાં ર૬ જિલ્લામાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કરતાં કુલ ૪૦૬૪ બેડની ક્ષમતા વધી છે. સમગ્ર ગુજરાતમાં કોવિડ-19 કોરોના વાયરસના સંક્રમિત અસરગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે કુલ ૯૪૬૪ બેડની ક્ષમતા ઉભી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
