
પાલનપુરમાં 102 વર્ષના દાદીએ કર્યુ મતદાન, કહ્યું- મે મતદાન કર્યુ, તમે બધા પણ કરજો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 14 મધ્ય અને ઉત્તર જિલ્લાની 93 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ 93 બેઠકોમાંથી એક એવી બેઠક છે જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. પાલનપુરના નવા લક્ષ્મીપુરા મતદાન કેન્દ્ર પર 102 વર્ષના રેવાબેન પટેલે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે.
પાલનપુરમાં 102 વર્ષના રેવાબેન પટેલ નામના વૃદ્ધ બાએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો છે. અને વહેલીમાં વહેલી તકે લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગરૂપ બને તેવી લોકોને હાકલ કરી છે. તથા જણાવ્યું છે કે મેં મતદાન કર્યું તમે બધા પણ પોતાના પરિવારની સુખાકારી માટે મતદાન કરો.
લોકશાહીના મહાપર્વ મતદાન દિવસની સૌ કોઈ ઉજવણી કરી રહ્યું છે. તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ ચૂંટણીના જંગમાં સૌ કોઈ યુવાનો વૃદ્ધો સહિતના લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવામાં મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. ત્યારે પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં આવેલી પ્રાથમિક શાળા બુથ કેન્દ્ર પર મતદારોની લાંબી કતારો લાગી છે.