વીજ વિતરણ વ્યવસ્થામાં ગુજરાતને એ-પ્લસ રેટિંગ, રાજ્યની પ્રશંસનિય કામગીરી!
પાવર વિતરણ વ્યવસ્થામાં ગુજરાત ફરી એક વખત સૌથી આગળ રહ્યું છે. ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થાઓમાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું છે.
ગાંધીનગર : પાવર વિતરણ વ્યવસ્થામાં ગુજરાત ફરી એક વખત સૌથી આગળ રહ્યું છે. ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે, ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થાઓમાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજય સરકારની વીજ વિતરણ કંપનીઓએ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત કરીને "એ પ્લસ" રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખી છે.

કનુ દેસાઇએ વધુમાં કહ્યું કે, વીજ સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે. રાજય સરકાર તેમજ ઊર્જા વિભાગના દ્રષ્ટિવંત આયોજન અને અસરકારક કામગીરીના પરિણામે રાજયનું ઊર્જા ક્ષેત્ર દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યની વીજ કંપનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાને કારણે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓએ દર વર્ષે "એ પ્લસ" રેટિંગ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખેલ છે તે બદલ તમામ વીજ કર્મીઓને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ રાજયમાં વીજળી સંબંધિત કઠિન પરિસ્થિતિ નિર્માણ થયુ હતું. આ અંગે વિગતે વાત કરતાં ઊર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું કે, કોલસા અને ગેસના પુરવઠા સંબંધે સરજાયેલ વૈશ્વિક પરિસ્થિતિમાં દેશના અન્ય રાજયોમાં વીજળીની તંગી અને વીજ કાપની સ્થિતિ ઊભી થઈ હતી. આ કઠિન સમસ્યાના તત્કાલ નિરાકરણ માટે કેન્દ્રીય ઊર્જા મંત્રી, રેલ્વે મંત્રી અને કોલસા મંત્રીશ્રીઓ સાથે ફળદાયી પરામર્શ કરીને સમસ્યાનો સફળ અને સુખદ ઉકેલ લાવવામાં આવ્યો, જેના કારણે વિષમ પરિસ્થિતિમાં જ્યારે દેશના અન્ય રાજ્યો વીજળીની તંગીનો સામનો કરી રહ્યા હતા ત્યારે ગુજરાતને કોલસાનો પર્યાપ્ત પુરવઠો તેમજ રેલ્વે રેકની ઉપલબ્ધિ પર્યાપ્ત માત્રામાં થવાથી ગુજરાત વીજળીની તંગીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કરી શક્યું હતું.
મંત્રીએ ઉમેર્યું કે, આજ દિન સુધી સમગ્ર દેશની માત્ર રાજય હસ્તકની વીજ કંપનીઓ જ સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી અને તેમાં પણ ગુજરાત રાજયની વીજ કંપનીઓએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરીને એ પ્લસ રેટિંગ જાળવી રાખ્યો છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં ઉર્જા ક્ષેત્રના રિવ્યુ ,પ્લાનીંગ અને મોનિટરીંગ અંગે દરેક રાજયના ઊર્જા વિભાગના વડાઓ સાથે યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠક દરમ્યાન ભારત સરકારના ઊર્જા અને ન્યુ એન્ડ રીન્યુઅબલ એનર્જી વિભાગના મંત્રીશ્રી આર. કે. સિંહ દ્વારા ૧૦મો એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર હસ્તકની ચારેય વીજ કંપનીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી., મધ્ય ગુજરાત વીજ કંપની લી., ઉત્તર ગુજરાત વીજ કંપની લી. અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ને "એ પ્લસ" રેન્ક પ્રાપ્ત થયો છે.
ઊર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, દેશભરની રાજય તેમજ ખાનગી હસ્તકની વીજ વિતરણ કંપનીઓના આ પ્રકારના મૂલ્યાંકનનો અહેવાલ કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાયલ દ્વારા પાવર ફાયનાન્સ કોર્પોરેશન તેમજ મિકેન્ઝી એન્ડ કંપનીના સહયોગમાં તૈયાર કરવામાં આવેલ છે. જેમાં દેશભરમાંથી રાજય હસ્તકની ૪૬ અને ખાનગી હસ્તકની ૧૪ અને ઊર્જા વિભાગની ૧૧ મળી કુલ ૭૧ સ્ટેટ યુટિલિટીઝ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ પ્રકારના મૂલ્યાંકનમાં જે પરિમાણોના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે તેમાં ફાયનાન્સીયલ સસ્ટેઇનબિલીટી,ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન,પર્ફોમન્સ એકસેલન્સ જેમ કે, બીલીંગ એફિશીયન્સી, કલેકશન એફિશીયન્સી, ડીસ્ટ્રીબ્યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્સ, એકસ્ટર્નલ એન્વાયરમેન્ટ, લોસ ટેકઓવર બાય સ્ટેટ ગવર્નમેન્ટ,ગવર્નમેન્ટ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન,કોસ્ટ એફિશીયન્સી, રેગયુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે. જેમાં રાજ્ય સરકાર હસ્તકની ચારેય વીજ વિતરણ કંપનીઓએ સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી કુલ ૭૧ કંપનીઓમાંથી DGVCL & MGVCL પ્રથમ અને બીજા ક્રમે તેમજ UGVCL ચોથા ક્રમે જયારે PGVCL આઠમા ક્રમે સ્થાન મેળવી ''એ પ્લસ '' રેન્ક પ્રાપ્ત કરેલ છે.












Click it and Unblock the Notifications
