
રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે AAPએ ગુજરાતમાં 3 સીટ જીતવી પડશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં મતદાન થઈ ગયા બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહી છે, જો કે આ માત્ર અનુમાન હોય છે જે કેટલા સચોટ છે તે 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટના દિવસે સ્પષ્ટ થઈ જશે. ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પોતાની 27 વર્ષની શાખ બચાવવાની લડાઈ હતી, કોંગ્રેસ માટે ગુજરાતમાં વર્ષો પછી ફરી વાપસીની લડાઈ હતી જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી માટે આ લડાઈ સરકાર બનાવવાની નહિં પરંતુ પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવવાની હતી.

શું કેજરીવાલની આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની શકશે?
એક્ઝિટ પોલના પરિણામો પર નજર દોડાવીએ તો એબીપી ન્યૂજ સી-વોટર મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 3-11 સીટ મળવાની સંભાવના છે. અન્ય કેટલાક એક્ઝિટ પોલ્સમાં પણ અલગ-અલગ આંકડાઓ જણાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પહેલીવાર તમામ 182 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ભાજપને માત આપી AAP સરકાર બનાવી રહી હોવાનો દાવો કર્યો હતો. જો કે એક્ઝિટ પોલમાં લગાવેલા અનુમાન પ્રમાણે પણ જો આમ આદમી પાર્ટીને સીટ મળી જાય છે તો કેજરીવાલ માટે આ ખુશીની વાત જ હશે. કેમ કે તો આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી જશે.

કઈ શરતે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળે છે?
- રાષ્ટ્રીય પક્ષ બનવા માટેની પહેલી શરત એ છે કે તેને દેશની કોઈપણ એક વિધાનસભા ચૂંટણીમાં પડેલા કુલ માન્ય મતના 6 ટકા મત મળવા જોઈએ અને તે પક્ષના લોકસભામાં 4 સાંસદો હોવા જોઈએ.
- બીજી શરત એ છેકે લોકસભામાં કુલ સીટના બે ટકા સાંસદ અલગ-અલગ ત્રણ રાજ્યોમાંથી ચૂંટણી જીતી લોકસભા પહોંચવા જોઈએ. લોકસભાની કુલ 543 સીટ છે. એવામાં અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 11 સાંસદો જીતીને આવે છે તે પક્ષને રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા મળશે.
- ચાર રાજ્યોમાં એક પક્ષને પ્રાદેશિક પક્ષનો દરજ્જો મળે તેના આધારે રાષ્ટ્રીય પક્ષની માન્યતા પણ આપી શકાય છે. વર્ષ 2019માં એનપીપીને આ શરતના આધારે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હતો. આ શરત પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી પણ કામ કરી રહી છે.

ભારતમાં કેટલી રાષ્ટ્રીય પાર્ટીઓ છે
ચૂંટણી પંચના આંકડાઓ મુજબ દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓની સંખ્યા 8 છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બીએસપી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), ટીએમસી અને નેશનલ પીપલ્સ પાર્ટી છે. એનપીપી ભારતની સૌથી નવી રાષ્ટ્રીય પાર્ટી છે. આ દળને વર્ષ 2019માં રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા હાંસલ થઈ.

અત્યારના સમયમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ
અત્યારના સમયમાં દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં પણ કુલ વોટના 6.8 ટકા સાથે બે સીટ પર પાર્ટીની જીત થઈ છે. એવામાં કેજરીવાલની પાર્ટીને વધુ એક રાજ્યમાં માન્યતા મળી જાય છે તો સત્તાવાર રીતે તે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરવામાં સફળ થશે. ગુજરાતમાં 8 ડિસેમ્બરે જાહેર થનાર ચૂંટણી પરિણામમાં પાર્ટી જો 2થી વધુ સીટ જીતી લે છે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે.

ગુજરાતમાં વિધાનસભાની સીટ
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટ છે. જેમાંથી 40 સીટ આરક્ષિત છે. રાજ્યની વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 સીટનો છે. ગુજરાતનું રાજકારણ લાંબા સમયથી માત્ર બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. જો આમ આદમી પાર્ટી અમુક સીટ જીતવામાં સફળ રહે છે તો વિધાનસભાની સૂરત બદલાઈ જશે અને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાંસલ કરી કેન્દ્રીય રાજનીતિમાં આવવાનો રસ્તો સાફ થઈ જશે.