આપ એટલે અરવિંદ એડવર્ટાઇઝીંગ પાર્ટીઃ કોંગ્રેસ પ્રવક્તા
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.અજોય કુમારે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.અજોય કુમારે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલની જાહેરાતો પર કટાક્ષ કરતાં જણાવ્યું હતુ કે, આપ પાર્ટી એટલે 'અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, અરવિંદ એક્ટર્સ પાર્ટી છે. તે માત્ર જાહેરાતોની રાજનીતિ કરે છે.

તેમણે જણાવ્યુ હતુ કે, આપ પાર્ટીએ અલગ-અલગ અખબારો અને ટીવી ચેનલોમાં 2015માં 81 કરોડની. 2017-18માં 117 કરોડ, 2019માં 200 કરોડ, 2021-22માં લગભગ 490 કરોડ ની જાહેરાતો આપી હતી. આપ પાર્ટી માત્ર જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પંજાબની આપ સરકાર દ્વારા ગુજરાતના વિવિધ દૈનિક અખબારો અને ટીવી ચેનલોને 36 કરોડ જેટલી માતબાર રકમ ચુકવી હોવાનો દાવો કર્યો હતો.
આપ પાર્ટી દ્વારા દિલ્હીનું શિક્ષણ મોડલની વારંવાર ચર્ચા કરે છે. જો આટલું સારું શિક્ષણ મોડલ હોત તો ખાનગી શાળાઓમાં બાળકોની સંખ્યા કેમ વધી રહી છે ? કોવિડના સમયે બાળકો મજબૂરીમાં સરકારી શાળામાં ગયા હતા, કોવિડ પુરો થતા જ પાછા ખાનગી શાળાઓમાં ગયા. 6 હજાર ક્લાસ રૂમ બનાવ્યાના ખોટા દાવા સામે આપ પાર્ટીએ માત્ર 4 હજાર ક્લાસ રૂમ બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો.
દિલ્હીમાં જેટલા પણ રસ્તાઓ બન્યા તે શીલા દીક્ષિતના સમયમાં બન્યાં, આપ પાર્ટીએ દિલ્હીમાં એક પણ નવો ફ્લાયઓવર નથી બનાવ્યો. દિલ્હીમાં એક પણ નવી હોસ્પિટલ નથી બનાવી, તમામ હોસ્પિટલો શીલા દીક્ષિતની સરકારમાં બનાવવામાં આવી હતી.
કોંગ્રેસ પ્રવક્તાએ ભ્રષ્ટાચારના મુદ્દે કેજરીવાલને ઘેરતાં જણાવ્યું હતુ કે, દિલ્હીની લિકર પોલિસી અરવિંદ કેજરીવાલ દ્વારા 100 ટકા ખાનગી બનાવવામાં આવી. અગાઉ 60 ટકા ખાનગી અને 40 ટકા સરકારના હાથમાં હતું. કેજરીવાલે દારૂમાં ખાનગી કંપનીને બોટલ દીઠ ટેક્ષ ઘટાડીને 220 રૂપિયાનો નફો કરાવ્યો છે. આ પૈસા ક્યાં જાય છે ? આ નાણાં ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં વપરાતાં હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.












Click it and Unblock the Notifications
