BRTS રૂટ પર સવારે 4થી 5.45 સુધી સ્કેટિંગ કરી શકાશે

હવે અમદાવાદના સ્કેટિંગ પ્રેમીઓ રાતના અગિયારથી સવારના છ વાગ્યા સુધી સૂના રહેતા બીઆરટીએસના 70 કિલોમીટર લાંબા રૂટ પર બ્રહ્મ મુર્હૂતમાં એટલે કે સવારના ચાર વાગ્યાથી પોણા બે કલાક માટે સ્કેટિંગ કરી શકશે. આ સુવિધા ટૂંક સમયમાં કેટલીક શરતોને આધીન રહીને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવાર 8 ઓગસ્ટ, 2013ની સાંજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બીઆરટીએસના રસ્તા પર સવારના 4થી 5.45 કલાક દરમિયાન બાળકો, યુવાનોને રોલર સ્કેટિંગની પ્રેક્ટિસ કરવા માટેની અનુમતિ પ્રદાન કરતી દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ગૌરાંગ ચાવડાની આ ધ્યાનાકર્ષક દરખાસ્તને અન્ય સભ્ય જયેશ પટેલે ટેકો આપ્યો હતો.
હાલમાં રોલર સ્કેટિંગ કરવા બાળકો, યુવાનોને છેક ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે તેને બદલે આગામી દિવસોમાં બાળકો તેમના ઘરના આંગણેથી પસાર થતા બીઆરટીએસના લીસા રસ્તા પર વહેલી સવારના ખુશનુમા માહોલમાં પ્રેક્ટિસનો આનંદ માણી શકશે. સ્ટેન્ડિંગ કમિટીએ મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રને આ દરખાસ્તના સંદર્ભમાં યોગ્ય શરતો નક્કી કરવાની સૂચના આપી છે. કમિશનર દ્વારા યોગ્ય શરતો નક્કી કર્યા બાદ તેનો ટૂંક સમયમાં અમલ કરાશે.












Click it and Unblock the Notifications
