અમદાવાદના શાંતીપુરા સર્કલ પાસે આવેલા અતિ પોશ ગણાતા ગોકુલધામ મેડોસમાં રહેતા 100થી વધારે પરિવારો હાલ કુતરાના ત્રાસના કારણે પરેશાની ભોગવી રહ્યા છે. કારણ કે મેડોસના 209 નંબરના બંગલોમાં રહેતા દક્ષેશ ખત્રી અને તેના પરિવાર દ્વારા સોસાયટીમાં ફરતા સ્ટ્રીટ ડોગને બિસ્કીટ અને દૂધ આપતા હોવાથી સોસાયટીમાં હાલ 50 થી વધારે કૂતરા થઇ ગયા છે. જેથી સોસાયટીના ગાર્ડનમાં કૂતરા દ્વારા ગંદકી કરવામાં આવી રહી છે. જેથી આ મામલો ચાંગોદર પોલીસ મથકે પહોંચ્યો છે. બંગલો નંબર 192માં રહેતા વિશાલ કશ્યપ કહે છે કે 209 નંબરમાં રહેતા દક્ષેશ ખત્રીને અમે લોકો સમજાવવા માટે ગયા હતા ત્યારે દક્ષેશ ખત્રીએ સોસાયટીના લોકો સામે ખોટો પોલીસ કેસ કર્યો છે અને પોલીસ અમારુ સાંભળતી નથી. અમારે ત્યાં રહેતા લોકો સોસાયટીના ગાર્ડનમાં વોકીંગ પણ નથી શકતા કારણ કે બગીચામાં કુતરા દ્વારા ગંદકી ફેલાવવામાં આવેલી હોય છે અને તેની સફાઇ કરવામાં મેઇન્ટેન્સ સ્ટાફ પણ આનાકાની કરે છે. મારા પિતાજી રાતના સમયે સોસાયટીમાં ચાલવા જાય તો કુતરાના કરડવાના ડર રહે છે.
બીજી તરફ બંગલો નંબર 159માં રહેતા પ્રતિમા જોષી કહે છે કે મારા ઘર પાસે કૂતરાને ભેગા કરીને બિસ્કીટ ખવડાવવા આવતા હોવાથી કૂતરા મારા ઘર પાસે એકઠા થઇ જતા મારા દીકરાના ઘરની બહાર નીકળવવાનું બંધ થઇ ગયુ છે. અને એક વાર ખત્રીએ ધમકી પણ આપી હતી. જ્યારે ડો. શીલ્પા કહે છે કે મારી દીકરી ભવ્યા પાછળ કૂતરા દોડ્યા હતા. જેથી તેને સામાન્ય ઇજા થઇ હતી. હવે મારી દીકરી ધરની બહાર નીકળી શકતી નથી. આ અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે વી રાઠોડ કહે છે કે આ મામલો સોસાયટીનો ખાનગી મામલો છે અને કૂતરાને જમવાનું આપવુ તે ગુનો નથી જેથી અમે કાર્યવાહી નથી કરી શકતા પણ આ મામલાનો જલ્દીથી ઉકેલ આવે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ.
દક્ષેશ ખત્રીનું નિવેદન
બીજી તરફ દક્ષેશ ખત્રીએ પોતાનું નિવેદન લખાવ્યું છે કે તે કૂતરાને બિસ્કીટ આપે છે તે ગુનો નથી અને આ કૂતરા તેના પાળેલા નથી. સોસાયટીના રહીશો તેને ખોટી રીતે પરેશાન કરી રહ્યા છે. જો કોઇ કૂતરાને મારશે તો એનીમલ ક્રુઆલીટી એક્ટ હેઠળ ગુનો બને છે. જેથી હું કેસ કરીશ. હાલ આ મામલે સોસાયટીના તમામ પરિવારો એકત્ર થઇને ન્યાય માટે લડી રહ્યા છે અને જરૂર પડ્યે ઉચ્ચ અધિકારીઓને પણ મળશે.