સત્તાવને સંકોચાઈ કોંગ્રેસ, તો ભાજપને 132નો અહેસાસ!
અમદાવાદ, 5 જૂન : ગુજરાતમાં આજે જાહેર થયેલ પેટા ચૂંટણીઓના પરિણામો અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે. એક બાજુ આ પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષે શાનદાર વિજય મેળવ્યો છે, તો કોંગ્રેસે ફરી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામોને કોંગ્રેસની હાર કરતાં નરેન્દ્ર મોદી કે જેઓ આજે દિલ્હીમાં છે તેમના વિજય તરીકે વધુ ચગાવાઈ રહ્યો છે.
પરંતુ આ તમામ ચર્ચાઓમાં ન પડતાં આપણે એક અલગ જ પ્રકારનું વિશ્લેષણ જોઇએ. આ વિશ્લેષણ ચોંકાવનારું છે. હકીકતમાં આજની પેટા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત વિધાનસભામાં પક્ષવાર પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. તે મુજબ ભાજપનું સંખ્યાબળ વિધાનસભામાં 115થી વધી 119 થઈ ગયું છે, તો કોંગ્રેસનું સંખ્યાબળ 61થી ઘટીને 57 ઉપર સંકોચાઈ ગયું છે. ઉપરાંત એનસીપી અને જીપીપીના 2-2 તથા જેડીયૂ અને અપક્ષના એક સભ્ય છે.
આ પેટા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને પુનઃ સાઇઠથી નીચે લાવી મૂક્યાં છે, પરંતુ આ સાથે જ વધુ એક મહત્વનું તારણ એ નિકળે છે કે આ પેટા ચૂંટણીના પરિણામોએ ભાજપને 132ના સંખ્યાબળનો ફૂલગુલાબી અહેસાસ કરાવ્યો છે. હકીકતમાં ભાજપ માત્ર વિધાનસભાની ચાર બેઠકો જ નથી જીત્યો, પણ તેણે પોરબંદર અને બનાસકાંઠા લોકસભા બેઠકો પણ કબ્જે કરી છે. આ બંને લોકસભા બેઠકો 14 વિધાનસભા મત વિસ્તારોની બનેલી છે અને વિધાનસભા મતવિસ્તાર વાર લીડ જોઇએ, તો ભાજપને 14માંથી 13માં લીડ મળી છે. બનાસકાંઠામાં એકમાત્ર દાંતા વિધાનસભા મતવિસ્તાર એવો રહ્યો છે કે જેણે કોંગ્રેસને સાથ આપ્યો છે.
આમ સરવાળે જોવા જઇએ તો ગુજરાતમાં 4 વિધાનસભા અને 2 લોકસભા બેઠકોની પેટા ચૂંટણીમાં સરવાળે 18 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન થયુ હતું અને તેમાંથી 17 વિધાનસભા બેઠકો ઉપર ભાજપે સરસાઈ મેળવી છે. આમ કોંગ્રેસ એક બાજુ સત્તાવને સંકોચાઈ ગઈ છે, તો ભાજપનું સંખ્યાબળ અધિકૃત રીતે 119 ઉપર પહોંચી ગયું છે, પરંતુ લોકસભાની બે બેઠકોએ તેણે 132ના સંખ્યાબળનો અહેસાસ કરાયો છે.
અહીં આપને યાદ અપાવી દઇએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન ભાજપને 115 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 61 બેઠકો હાસલ થઈ હતી. એનસીપી અને જીપીપી 2-2 તથા જેડીયૂ અને અપક્ષ 1-1 સીટો હાસલ કરી શક્યા હતાં.













Click it and Unblock the Notifications
