રાજકોટમાં કેજરીવાલના વાકબાણ; ભાજપ સરકારના બોલાવ્યા સપાટા
રાજકોટ આવેલા કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા વાકબાણ ચલાવતા કહ્યું હતું કે આ ઘટનામાં તંત્રના ઇશારે જ દલિતોને માર મારવામાં આવ્યો હતો. વહેલી સવારે રાજકોટ આવી પહોંચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ દલિતકાંડ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી હતી અને આનંદીબેન સરકારને દલિત વિરોધી ગણાવી આક્ષેપ કર્યો કે તંત્રના ઈશારે દલિતોની પીટાઈ થઈ હતી.
કેજરીવાલનો આક્ષેપ; દેખાડા માટે ધરપકડ

તેમણે આક્ષેપ મૂક્યો હતો કે પોલીસની હાજરીમાં દલિતોને માર મરાયો. આવી અનેક ઘટના ગુજરાતમાં બની છે. સાથે જ કેજરીવાલે સવાલ ઉઠાવ્યા કે આ કેસમાં પકડાયેલા 17 આરોપીઓની ફક્ત દેખાડા માટે તો ધરપકડ નથી કરવામાં આવીને? તેમણે જવાબદારને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના ન બને.
કેજરીવાલે આંદોલનની કરી હાકલ

કેજરીવાલે તમામ ધર્મોના લોકોને સાથે મળી આંદોલન કરવાની પણ હાંકલ કરી. અરવિંદ કેજરીવાલ સવારે સવા આઠ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં આપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા અને અહીં તેમણે પીડિતોના ખબરઅંતર પૂછ્યા હતા તેમજ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત દર્દીઓને પણ કેજરીવાલ મળ્યા હતા અને તેમની પીડા પણ સાંભળી હતી.
કેજરીવાલ ઉના જવા રવાના થયા

પીડિતોના પરિવારજનો સાથે સમય ગાળ્યા બાદ કેજરીવાલ ઉના જવા રવાના થયા છે. તેઓ ઉનાના સમઢિયાળા ગામે પીડિતો સાથે મુલાકાત કરીને પીડિતોની વ્યથા સાંભળશે. એટલું જ નહીં તે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના પરિવાર સાથે પણ મુલાકાત કરશે.
મૃત કોન્સ્ટેબલના પરિવાર સાથે મુલાકાત

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ અમરેલી જઈને ત્યાં તોફાનમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કોન્સ્ટેબલના પરિજનો સાથે મુલાકાત પણ કરશે. આનંદીબેને મૃત કોન્સ્ટેબલના પરિવાર સાથે મુલાકાત નહતી કરી જે અંગે પાછળથી વિવાદ થયો હતો. ત્યારે અરવિંદ કેજરીવાલે તેની આ મુલાકાતમાં કોન્સ્ટેબલના પરિવારને પણ મળવાના છે.












Click it and Unblock the Notifications
