Bhadarvi Poonam Fair 2025: ઇ.સ. 1841થી શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત, જાણો ઇતિહાસ
દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન મા શક્તિના શક્તિપીઠમાં માનું હૃદય વસે છે. જેના કારણે દર વર્ષે લાખો ભક્તો મા અંબાનાં દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાનાં દર્શન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ઇ.સ. 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત્ છે. અંબાજીમાં પૂનમના સમયે લાખોની સંખ્યામાં યાત્રિકો માતાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

કેમ યોજાય છે ભાદરવી પૂનમનો મહામેળો
Bhadarvi Poonam Fair: ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં મા આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્ત્વ એ છે કે, નવરાત્રિ નિમિત્તે મા અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. ઉપરાંત અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે.
મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી મા અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે.
અંબાજીમાં પદયાત્રાનો ઇતિહાસ
એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો. ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના-મોટા 1500થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.
અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે
માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એ રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે છે કે જાણે વાઘ પર માતાજી બેઠાં છે. વર્ષોથી માતાજીના ગોખ પાસે ધીના બે અખંડ દીવા પ્રજ્વલિત છે.
લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન
લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે, વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે, 'જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ મા અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાંનિધ્યમાં આવશે.'- જેને પગલે વર્ષો પહેલાં અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.
અંબાજી મંદિરનો ધાર્મિક ઇતિહાસ
દેવી શક્તિ બ્રહ્માંડની સર્વોચ્ચ વૈશ્વિક શક્તિ અથવા આદિ શક્તિનું સ્વરૂપ છે. શક્તિના એક સ્વરૂપ માતા સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતાં, પણ આ લગ્નને કારણે સતીના પિતા દક્ષ ખુશ નહોતા. પછી રાજા દક્ષે એક યજ્ઞ કર્યો હતો, તેમાં ભગવાન શિવ અને માતા સતી સિવાય તમામ દેવતાઓને આમંત્રિત કર્યા. સતી આમંત્રણ વિના જ હવનમાં હાજરી આપવા ગયાં. રાજા દક્ષે શિવજી વિશે અપમાનજનક વાતો કહેતા સતી સહન કરી શક્યાં નહીં અને પોતાને યજ્ઞના અગ્નિમાં સમર્પિત કરી દીધાં હતાં. માતા સતીના શોકમાં દુ:ખી ભગવાન શિવે સતીના શરીરને ઉઠાવીને તાંડવ નૃત્યનો પ્રારંભ કર્યો હતો. તેમને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીના દેહના ટુકડા કરી નાખ્યા હતા. જ્યાં સતીના શરીરનાં અંગ પડ્યાં હતાં, તે સ્થળો શક્તિપીઠ બન્યાં અને માતા સતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાયું.
આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે
દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાનાં દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાનાં દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેને મા અંબા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અંબાજી મંદિર ક્યાંથી કેટલું દૂર?
અંબાજી મંદિર એ રાજ્ય અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, જે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આબુ રોડ નજીક આવેલું છે. આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર, વિખ્યાત વેદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે તેમ જ આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. એટલું જ નહીં, અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી માતા મંદિર ભારતનાં મુખ્ય પીઠમાંનું એક છે, જે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર, માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને આબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિલોમીટરના અંતરે આવેલું છે.












Click it and Unblock the Notifications
