ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચાની કીટલી પર બેસતા નાગરિકો સાથે સીધો સંવાદ કરવા ‘ચાય પે ચર્ચા' કાર્યક્રમનું બુધવારે લોન્ચિંગ કરી રહ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત મોદી બુધવારે રાજ્યના 22 શહેર અને દેશના 300 શહેરના 1 હજાર જેટલા સ્થળો પર એક સાથે ડીટીએચ, સેટેલાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સંવાદ કરશે.
કાર્યક્રમની રૂપરેખા પર નજર ફેરવવામાં આવે તો અમદાવાદના સાત અને ગાંધીનગરના પાંચ સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ હેઠળ સાંજે પાંચ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી નાગરિકો સાથે સીધો જ સંવાદ કરશે. રાષ્ટ્રિય સ્તરના આ કાર્યક્રમના પહેલા ચરણમાં સુશાસન સંદર્ભે મોદી લોકો સાથે સીધો સવાંદ કરશે અને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. નોંધનીય છે કે આ કાર્યક્રમ 10થી 12 ચરણમાં યોજનાર છે. જેમાં પક્ષના અનેક રાષ્ટ્રિય અગ્રણીઓ પણ ભાગ લેનારા છે. આ કાર્યક્રમ થકી દેશના બે કરોડ લોકો સાથે સીધો સવાંદ થશે તેમ ભાજપનું માનવું છે.જો તમે પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માગતા હોવ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્નોત્તરી કરવા માગતા હોવ તો ફોન નં. ૦૭૮૭૮૭ ૮૨૦૧૪ તથા CPC સંદેશો એસએમએસ કરવાથી તમે આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો, અથવા તો તમે www.indiancag.org/chaipecharcha વેબસાઇટ પર જઇને પણ તમે મોદી સાથે પ્રશ્નોત્તરી કરી શકો છે. ઉપરાંત ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ નેટવર્કિંગ પેજ થકી મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો.