
ખેડૂતો માટે માઠા સમાચાર, 11થી 15 ડિસેમ્બર સુધી આ વિસ્તારોમાં માવઠાની સંભાવના
અમદાવાદ : ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસુ પુરૂ થઈ ગયા બાદ હવે ખેડૂતોએ શિયાળુ વાવણી કરીને પાક તૈયાર કર્યો છે ત્યારે હવે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે.
સામે આવી રહેલા સમાચાર મુજબ, રાજ્યમાં 11થી 15 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં લોપ્રસર સર્જાયુ છે અને સિસ્ટમ સક્રિય તથા હવે આગામી 11થી 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હવે ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચરકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. જો હવામાન વિભાગની આગાહી મુજબ માવઠુ થાય તો શિયાળુ પાકને મોટુ નુકસાન થઈ શકે છે.
હાલ રાજ્યમાં ખેડૂતોએ શિયાળુ પાક તરીકે જીરૂ, ધણા, ઘઉ અને રાઈ સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે ત્યારે આ માવઠુ આ તમામ પાકને અસર કરશે. ખાસ કરીને મસાલા પાકોને માવઠાને મોટુ નુકસાન થઈ શકે છે. વરસાદને કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ શકે છે.