‘તંદુરસ્ત અને સ્વસ્થ-સુખી જીવન જીવવા માટે સ્વચ્છતા ખુબ જરૂરી’’
તંદુરસ્ત હોવું એ જીવનનું મોટુ સુખ છે. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું આમ તો બહુ સરળ છે તેમ છતાં પણ બધા તંદુરસ્ત કેમ નથી રહી શકતા.!!! કારણ સાવ સરળ છે. જેઓ સ્વચ્છતા અને આહારમાં બેદરકાર છે તેઓ બિમારીને આમંત્રણ આપતા જ હોય છ
તંદુરસ્ત હોવું એ જીવનનું મોટુ સુખ છે. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું આમ તો બહુ સરળ છે તેમ છતાં પણ બધા તંદુરસ્ત કેમ નથી રહી શકતા.! કારણ સાવ સરળ છે. જેઓ સ્વચ્છતા અને આહારમાં બેદરકાર છે તેઓ બિમારીને આમંત્રણ આપતા જ હોય છે.

સ્વચ્છતા આ શબ્દ કેટલો પવિત્ર અને મહાન છે.! માનવ જીવનના પ્રારંભથી સ્વચ્છતાનો મહિમા કરવામાં આવે છે. સુખનું બીજુ નામ સ્વચ્છતા છે. વિકાસના આ જેટ યુગમાં દુનિયા માણસની મુઠ્ઠીમાં જ છે. ઇન્ટરનેટ અને વિવિધ ટેકનોલોજીના વિકાસથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણે ગાયબ થઇ ગયું છે. સમગ્ર વિશ્વ હવે એક વિશ્વગ્રામ બન્યું છે. વિકાસના આ યુગમાં આપણે સ્વચ્છતાના આગ્રહી કેમ બનતા નથી?
યાદ રહે કે જયાં સુધી ગંદકી છે ત્યાં સુધી આપણે અને આપણાં પરિવારજનો દવાખાના, લેબોરેટરીની લાઇનોમાં જ રહેવાના છે. આપણે પાણીનો બેફામ અને બેદરકારી ભર્યો ઉપયોગ કરીને મચ્છરોની જાણે ફેકટરીઓ નાખીએ છીએ. મચ્છરોથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવી ભયંકર બિમારી થાય તેની ખબર છે પણ ગંભીરતા?
જયાં પાણીનો ભરાવો થાય છે ત્યાં મચ્છર અવશ્ય પેદા થાય છે. આપણા ઘર કે આજુબાજુમાં પાણી ન ભરાય તેની કાળજી લઇએ. ઘરના ધાબા ઉપર કે બહારની કોઇ જગ્યાએ પાણી ભરાયેલું હોય તે મચ્છરની ઉત્પત્તિનું કેન્દ્ર છે. વધારે પાણી ભરાયેલુ હોય ત્યાં પાણી ઉપર કેરોસીન કે ઓઇલ નાખીને પણ મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય. આપણાથી કયાંય ગંદકી ન થાય તેની કાળજી રાખવી બહુ જરૂરી છે. ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકાને દોષ દેવાનો કોઇ અર્થ નથી. આપણા ગામ કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પણ છે જ. મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા સ્વચ્છતા જ આખરી ઇલાજ છે
તાવ આવે ત્યારે બ્લડ ટેસ્ટ જરૂર કરાવીએ. મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ પણ કરીએ. ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દઇએ. ડેન્ગ્યુ તાવ એડીસ ઇજીપ્તે મચ્છરો ધ્વારા જ ફેલાય છે. આ મચ્છરો દિવસે જ કરડે છે. લાંબી બાંયના કપડાં પહેરીએ. મચ્છર દુર રાખવાની ક્રીમ લગાવીએ. ઘરમાં પાણીના વાસણો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ. તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફુલદાની વગેરે અઠવાડીયામાં એક વખત સાફ કરીએ.
નાના બાળકો અને ઉંમરલાયક વડીલોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જલ્દી બિમાર થઇ જાય છે. આપણા વ્હાલસોયા બાળકો અને સન્માનીય વડીલોને મચ્છરોના ઉપદ્રવથી બચાવવાની કાળજી રાખીએ. આપણે સ્વચ્છતાના આગ્રહી નહીં બનીએ, તે હવે ચાલે તેમ નથી. અત્યારે કોરોનાના સમયમાં સમગ્ર દેશમાં અને રાજયમાં સ્વચ્છતાનો સરસ બદલાવ આવી રહ્યો છે. એમાં આપણે પણ પાછળ ન રહી જઇએ.












Click it and Unblock the Notifications
