આ વખતે ઠંડી ઓછી પડશે? જાણો કેમ નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે?
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગાઢ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતની નજીક આવેલા માઉન્ટ આબુમાં હાલ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. આ કડકડતી ઠંડીમાં ચાની ચૂસ્કી લેવા માટે સવારના પહોરમાં લારીઓ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં તાપમાન માઇનસમાં જવાની શક્યતા છે.
આ વર્ષે ગુજરાતમાં શિયાળાની ઋતુનું સ્વરૂપ બદલાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ, અરબી સમુદ્ર પર વધતું નીચા દબાણ અને કમોસમી વરસાદને કારણે શિયાળાનો સમયગાળો ટૂંકાઈ ગયો છે. આ વર્ષે ગુજરાતમાં કડકડતી ઠંડીનો સમયગાળો ઘટીને માત્ર 30 દિવસનો થઈ જશે. અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું નિર્માણ અને અકાળે વરસાદ પણ આ માટે જવાબદાર છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી જ ઠંડીની અનુભૂતિ થતી હતી અને તે જાન્યુઆરીના અંત સુધી એટલે કે લગભગ 90 દિવસ સુધી રહેતી હતી. પરંતુ આ વર્ષે ગંભીર ઠંડીનો સમયગાળો ઘટીને માત્ર 30 દિવસનો થઈ ગયો છે. સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતમાં શિયાળો બેસી જતો હતો, પરંતુ આ વર્ષે 20 દિવસનો વિલંબ થયો છે.
અગાઉ 90 દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે 30 દિવસ માટે જ રહેશે. ઉત્તર ભારતમાં પણ 5 નવેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જતી હતી, પરંતુ આ વખતે શિયાળો 20 દિવસ મોડો પડ્યો છે. નવેમ્બરના અંત સુધીમાં કડકડતી ઠંડી બેસી જવાની શક્યતા છે.
હાલમાં જ આવેલા બે ચક્રવાતની અસરને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેનાથી શિયાળાની શરૂઆત પર અસર થઈ. કચ્છ-સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં વધુ ઠંડી રહેશે. જોકે, નલિયા જેવા સ્થળોએ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. ગુજરાતમાં શિયાળાની મોસમમાં આશ્ચર્યજનક ફેરફારો જોવા મળી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ક્લાઇમેટ ચેન્જને મુખ્ય પરિબળ ગણાવ્યું છે. જોકે, મધ્ય જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થતો જોવા મળશે. આ પરિસ્થિતિમાં શિયાળો મોડો શરૂ થાય છે અને વહેલો પૂરો થાય છે.












Click it and Unblock the Notifications
