Digital arrest : વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરીને 64.41 લાખ પડાવ્યા
Digital arrest : ગુજરાતમાં ફરી એક વખત ડિજિટલ અરેસ્ટનું ભુત ધુણ્યુ છે. વડોદરામાં એક નિવૃત્ત બેંક કર્મચારી ડિજિટલ એરેસ્ટ કૌભાંડના (Digital Arrest Scam) ફસાઈ જતાં તેમની પાસેથી 64.41 લાખની રકમ સાયબર માફિયાઓ દ્વારા પડાવી લેવામાં આવી છે.
અહેવાલો અનુસાર, વડોદરાના નિવૃત્ત બેંક કર્મચારીને સાયબર ગઠિયાઓએ પોતાના નિશાના પર લીધા હતા. છેતરપિંડી કરનારાઓએ તેમને ડરાવવા માટે જણાવ્યું હતું કે, તેમનું સીમકાર્ડ ગેરકાયદેસર રીતે મની લોન્ડરિંગ (Money Laundering) જેવી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયું છે.

આ ઠગ ટોળકીએ પોતાને CBI અને RBI (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના અધિકારીઓ તરીકે રજૂ કર્યા હતા અને ભોગ બનનારને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પીડિતને વિશ્વાસ અપાવ્યો કે જો તેઓ તેમની સૂચનાઓનું પાલન નહીં કરે તો તેમની ધરપકડ કરવામાં આવશે.
આ સાયબર માફિયાઓએ ભોગ બનનારને સતત ધમકાવીને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખ્યા હતા. 23 મેથી શરૂ કરીને પીડિતને લગભગ 18 દિવસ સુધી સતત ડરના માહોલમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન, તેમની પાસેથી તબક્કાવાર કુલ 64.41 લાખ જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી.
પોતાની સાથે થયેલી આ ભયંકર છેતરપિંડીનો ખ્યાલ આવતા સિનિયર સિટીઝને તાત્કાલિક વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ (Vadodara Cyber Crime) સમક્ષ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે, CBI, RBI, પોલીસ કે અન્ય કોઈ સરકારી એજન્સી ક્યારેય ફોન કે મેસેજ દ્વારા પૈસાની માંગણી કરતી નથી. આવા કોઈ પણ કોલ આવે તો વ્યક્તિગત માહિતી કે પૈસા આપતા પહેલા સત્યતા ચકાસવી અને તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ સેલમાં જાણ કરવી.












Click it and Unblock the Notifications
