વાવાઝોડું કમોસમી વરસાદ નોતરશે, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વાવાઝોડાને પગલે માવઠા અને હાડ થીજાવતી ઠંડીનો બેવડો અનુભવ થશે. તેમણે જણાવ્યું કે ડિસેમ્બરની શરૂઆતમાં ખાસ કરીને 5 થી 10 ડિસેમ્બરની આસપાસ, છૂટાછવાયા માવઠાની સંભાવના છે, જ્યારે 17 ડિસેમ્બર પછી શીત લહેરનો પ્રારંભ થઈ શકે છે.
વહેલી સવારે દિત્વાહ વાવાઝોડું તમિલનાડુ અને પુડુચેરી પર જોખમ ઊભું કરી રહ્યું છે, જે હાલ ચેન્નાઈથી લગભગ 260 કિલોમીટર દૂર છે. આ કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના કિનારાને સમાંતર આગળ વધશે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સોશિયલ મીડિયા અને સત્તાવાર બુલેટિન દ્વારા મળેલી માહિતી મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન દિત્વાહ ભારતીય દરિયાકાંઠાની અત્યંત નજીક પહોંચી ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન આ વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધ્યું છે અને તે ચેન્નાઈથી દક્ષિણમાં 260 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દિત્વાહ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ઉત્તર દિશામાં ગતિ કરતું રહેશે. તે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાને સમાંતર આગળ વધવાની પૂરેપૂરી શક્યતા છે. દિત્વાહ' વાવાઝોડાની અસર ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરીય આંધ્રપ્રદેશમાં વધુ અનુભવાશે.
આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. 2 ડિસેમ્બર સુધીમાં તેની અસર વર્તાઈ શકે છે. આ વાવાઝોડાને કારણે છત્તીસગઢના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને પૂર્વીય મધ્ય પ્રદેશના ભાગોમાં પણ અસર થવાની શક્યતા છે.
દિત્વાહ વાવાઝોડાને કારણે પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. ગુજરાતના વલસાડ, સુરત અને નવસારીના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે. મહારાષ્ટ્રના સરહદી ભાગો જેવા કે વલસાડ, નવસારી અને સુરતમાં વાદળો છવાઈ શકે છે.
4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળા પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, અને 5 થી 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 24 ડિસેમ્બર વચ્ચે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં બનનારા ડિપ્રેશનને કારણે ભેજની અસર વધશે. અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે.
આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી શકે છે. કેટલાક ભાગોમાં તાપમાન 12 થી 13 ડિગ્રી સુધી ઘટી શકે છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
