બિટકોઈન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી, શૈલેષ ભટ્ટ-નલિન કોટડિયાના સંબંધીઓની ધરપકડ
ગુજરાતમાં બહુચર્ચિત કરોડો રૂપિયાના બિટકોઈન હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ આર્થિક ગુનાના આ કેસમાં કડક વલણ અપનાવીને વધુ બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની અટકાયત કરવામાં આવી છે. આ બંને પર કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સંડોવણી હોવાનો ગંભીર આક્ષેપ છે.
EDની તપાસ મુજબ, અંદાજે 240 કરોડ રૂપિયાથી વધુની કિંમતના બિટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી હતી. આ મની લોન્ડરિંગ કેસમાં ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી.
પકડાયેલા બંને આરોપીઓને EDની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં એજન્સી દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે, કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હવે આગામી દિવસોમાં ED દ્વારા કરવામાં આવતી પૂછપરછ દરમિયાન આ આંતરરાષ્ટ્રીય સ્તરના બિટકોઈન કૌભાંડમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે, તેના રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.












Click it and Unblock the Notifications
